India Bangladesh Relations: ભારતે બાંગ્લાદેશને અપાઈ રહેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા અચાનક બંધ કરી દીધી છે. આ નિર્ણય બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસના એ વિવાદિત નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે ભારતના પૂર્વોત્તર રાજ્યને લેન્ડલોક્ડ (ભૂમિથી ઘેરાયેલા) જણાવ્યા અને બાંગ્લાદેશને આ વિસ્તાર માટે સમુદ્ર સુધી પહોંચવાના 'એકમાત્ર સંરક્ષક' ગણાવ્યું હતું. યુનુસે આ વાત હાલમાં જ ચીનના પ્રવાસ વખતે કહી હતી જેનો ભારતમાં ખુબ વિરોધ થયો હતો.
2020થી ભારતે આપી હતી આ સુવિધા
ભારતે 2020માં બાંગ્લાદેશને આ સુવિધા આપી હતી. જેથી કરીને તે પોતાના માલને ભારતીય બંદરો અને એરપોર્ટ્સના રસ્તે ત્રીજા દેશોમાં મોકલી શકે. જે હેઠળ બાંગ્લાદેશ પોતાના સામાનને ભારતના સીમા શુલ્ક સ્ટેશનોથી થઈને મિડલ ઈસ્ટ, યુરોપ અને અન્ય દેશોમાં નિકાસ કરતું હતું. તેનો એક માત્ર હેતુ એ હતો કે વિસ્તારમાં સંપર્ક વધારવો અને બાંગ્લાદેશને ભારતના રસ્તે સરળતાથી વેપાર કરવાની તક આપવી.
પરંતુ હવે નાણા મંત્રાલયના કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ તેને રદ કરી દીધુ છે. બોર્ડની 8 એપ્રિલના નોટિફિકેશનમાં કહેવાયું છે કે જૂના નિયમ તત્કાળ પ્રભાવથી ખતમ કરાય છે. જે માલ પહેલેથી ભારતમાં આવી ચૂક્યો છે તેને જૂના નિયમ હેઠળ બહાર જવા દેવાશે.
ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા રોકી
આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું કે આ સુવિધાના કારણે અમારા એરપોર્ટ્સ અને બંદરો પર ભીડ વધી ગઈ હતી. તેનાથી ભારતને પોતાના નિકાસમાં વિલંબ થઈ રહ્યો હતો અને ખર્ચ પણ વધી રહ્યો હતો. આથી 8 એપ્રિલથી તેને ખતમ કરવામાં આવી છે. જો કે નેપાળ અને ભૂટાન માટે બાંગ્લાદેશનો માલ હજુ પણ ભારત થઈને જઈ શકશે.
અસમના મુખ્યમંત્રીએ જતાવી ખુશી
અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયના વખાણ કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ પગલું પીએમ મોદીના રાષ્ટ્રીય હિતો અને પૂર્વોત્તરની સુરક્ષા અંગે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ભારતના રણનીતિક અને આર્થિક હિતોની રક્ષા માટે સરકારનું કડક વલણ છે.
મોહમ્મદ યુનુસનું નિવેદન ઘાતક નીવડ્યું?
ભારત સરકારના આ પગલાંનો ટાઈમિંગ ખાસ છે. હાલમાં જ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે ચીનમાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ આ નિવેદનનો ભારતમાં ખુબ વિરોધ થયો હતો.
શું હતું નિવેદન
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ છેલ્લા કેટલાક સમયથી તણાવગ્રસ્ત છે. શેખ હસીનાની સરકાર પડ્યા બાદ યુનુસ સત્તામાં આવ્યા અને પછી બંને દેશો વચ્ચે અંતર વધ્યું છે. તાજેતરમાં યુનુસે ચીન પ્રવાસમાં કહ્યું હતું કે ભારતના સાત પૂર્વોત્તર રાજ્યો લેન્ડલોક્ડ છે અને સમુદ્ર સુધી તેમની પહોંચનો રસ્તો ફક્ત બાંગ્લાદેશથી છે. તેમણે ચીનને આ તકનો ફાયદો ઉઠાવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. ત્યારબાદ ભારતે ખુબ વિરોધ જતાવ્યો અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી.
ભારત સાથે ટક્કર મોંઘી પડશે?
ગત અઠવાડિયે બેંગકોકમાં બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ પણ યુનુસ સાથે મુલાકાતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બધુ મળીને ભારતના આ નિર્ણયનો સ્પષ્ટ સંદેશ છે કે જો ભારત સાથે કોઈએ પણ કોઈ પણ પ્રકારની ટક્કર લીધી તો તેણે પરિણામ ભોગવવું પડશે. હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ શું કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે