અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને તેને વધુ ભાવ પર વેચવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પનું આ નિવેદન આવ્યાં બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહયું કે ભારતની પ્રાથમિકતા પોતાના લોકોને સસ્તી અને સ્થિર ઉર્જા આપવાની છે. તેમણે એ પણ જણાવ્યું કે જ્યારે યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે યુરોપે પરંપરાગત આપૂર્તિ શ્રૃંખલાને પોતાના તરફ વાળી હતી. જેનાથી ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ મંગાવવાનો વિકલ્પ અપનાવવો પડ્યો. તે સમયે અમેરિકાએ પણ આ પગલાંનું સમર્થન કર્યું હતું જેથી કરીને આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં અસ્થિરતા ન ફેલાય.
બેવડો માપદંડ કેમ અપનાવે છે અમેરિકા અને યુરોપ
રણધીર જયસ્વાલે અમેરિકા અને યુરોપીય સંઘની બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જે દેશ આજે ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે આજે પણ રશિયા જોડે મોટા પાયે વેપાર કરી રહ્યા છે. યુરોપીયન સંઘે વર્ષ 2024માં રશિયા જોડેથી 67.5 અબજ યુરોનો સામાન અને 17.2 અબજ યુરોની સેવાઓ ખરીદી હતી. એટલું જ નહીં તેમણે રશિયા પાસેથી રેકોર્ડ 1.65 કરોડ ટન એલએનજી ગેસ પણ મંગાવ્યો જે 2022ની સરખામણીએ ઘણો વધુ છે. આવામાં ભારતને નિશાન બનાવવું એ એકતરફી અને અયોગ્ય છે.
ભારતે આંકડાઓથી ખોલી પોલ
ભારતે ફક્ત શબ્દોથી નહીં પરંતુ નક્કર આંકડાઓથી પણ પોતાની વાત રજૂ કરી. વિદેશ મંત્રાલય મુજબ રશિયા અને યુરોપનો વેપાર ફક્ત ઓઈલ પૂરતો સીમિત નથી પરંતુ તેમાં ખાતર, રસાયણ, ખનિજ, સ્ટીલ અને મશીનરી જેવા મહત્વના સેક્ટર સામેલ છે. જ્યારે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડિયમ, ખાતર અને અન્ય રાસાયણિક પદાર્થો સતત આયાત કરે છે. જે દેખાડે છે કે જ્યારે ભારત પોતાના રાષ્ટ્રીય હિતમાં આમ કરે તો ટીકા કેમ થાય છે?
રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારતની નીતિ
ભારતે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિત તેના માટે સૌથી ઉપર છે. ઓઈલ આયાત ભારત માટે કોઈ લક્ઝરી નથી પરંતુ જરૂરિયાત છે. જેથી કરીને સામાન્ય માણસને સસ્તી ઉર્જા મળી શકે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારત કોઈના દબાણમાં નહીં આવે અને પોતાની ઉર્જા સુરક્ષા માટે જરૂરી દરેક પગલું ભરશે. તેમણે એવો પણ સંકેત આપ્યો કે અમેરિકા અને યુરોપની સાથે વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન ચાલુ રહેશે પરંતુ ભારતની નીતિ સ્વાભિમાની અને તર્કપૂર્ણ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે