રાજા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હત્યાકાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. રાજાના હત્યારાઓને પોલીસ શિલોંગ લઈ ગઈ છે. આ બધા વચ્ચે ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજાના પિતાએ હત્યાની એક નવી જ કુંડળી ખોલી નાખી છે. રાજાના પપ્પાએ મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે તેમની વહુ સોનમે પોતાની કુંડળીનો મંગળ દોષ મીટાવવા માટે મારા પુત્રની હત્યા કરાવી છે.
શું કહ્યું રાજાના પિતાએ
રાજાના પિતાએ દાવો કર્યો છે કે રાજાની પત્ની સોનમે પોતાની કુંડળીનો મંગળ દોષ મિટાવવા માટે પોતાના પતિની હત્યા કરાવી જેથી કરીને બાદમાં તે તેના કથિત પ્રેમી રાજ કુશવાહા સાથે બીજા લગ્ન કરી શકે. જો કે તેને સ્થાનિક જ્યોતિષીઓ ફગાવી રહ્યા છે. જ્યોતિષોના જણાવ્યા મુજબ કોઈના લાઈફપાર્ટનરની હત્યાથી તેનો મંગળ દોષ ખતમ થઈ શકે નહીં.
રાજા રઘુવંશીના પિતાનો આરોપ છે કે સોનમે તેના પતિને એટલા માટે મરાવી નાખ્યો જેથી કરીને તેની કુંડળીમાં મંગળ દોષ સમાપ્ત થઈ જાય અને તે રાજ સાથે લગ્ન કરી શકે. રાજાના પિતાએ માંગ કરી છે કે રાજાના હત્યારાઓને મોતની સજા મળવી જોઈએ. રાજાના પિતાના જણાવ્યાં મુજબ હવે સવાલ એ પણ ઊભો થાય છે કે શું સોનમે ફક્ત મંગળનો દોષ મિટાવવાના ચક્કરમાં પતિની હત્યા કરાવી નાખી. જો કે હવે સમગ્ર મામલે વિશે તો તપાસ બાદ જ ખુલાસો થઈ શકશે.
રાજાની હત્યામાં સોનમની માતા પણ સામેલ?
આ સમગ્ર મામલે મૃતક રાજા રઘુવંશીના ભાઈ કપિલે એક નવો દાવો કર્યો છે. તેમનો આરોપ છે કે તેમના ભાઈની હત્યામાં સોનમની માતા પણ સામેલ હતી. કપિલે જણાવ્યું કે સોનમની માતાને દીકરી અને રાજના પ્રેમ પ્રસંગ અંગે જાણકારી હતી. સોનમની માતાએ તેને રાજ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને તેના પર રાજની જગ્યાએ પોતાના જ સમાજમાં લગ્ન કરવા માટે દબાણ સર્જ્યું. ત્યારે સોનમે કહ્યું હતું કે ઠીક છે હું સમાજમાં લગ્ન કરીશ પરંતુ ત્યારબાદ તે વ્યક્તિ સાથે હું શું કરું છું, તે તમે બધા જોશો. તેનો અંજામ તમારે બધાએ ભોગવવો પડશે. આવામાં સવાલ એ પણ ઉઠે છે કે શું આ સમગ્ર હત્યાકાંડમાં લગ્ન પહેલા જ કાવતરું રચાયું હતું?
આરોપીઓએ હત્યા કબૂલી
રાજા મર્ડર કેસમાં એક સમાચાર સામે આવ્યા છે. પૂનમ ચંદ્ર યાદવ એસીપી ક્રાઈમ બ્રાન્ચ ઈન્દોરે જણાવ્યું કે આરોપીઓએ કબૂલ્યું છે કે તેમણે જ રાજાની હત્યા કરી હતી. જ્યારે હત્યા કરાઈ ત્યારે સોનમ પણ ત્યાં હાજર હતી. વિશાલે રાજાના માથા પર પાછળથી હુમલો કર્યો હતો. રાજાની હત્યા કર્યા બાદ આરોપી ઈન્દોર આવી ગયા હતા. રાજે જ પૈસા આપીને આરોપીઓને ઈન્દોરથી મેઘાલય મોકલ્યા હતા. સોનમે પણ શિલોંગમાં પૂછપરછમાં ઘણું બધુ કબૂલ્યું છે. આગળ અલગ અલગ એંગલથી શિલોંગ પોલીસ તપાસ કરશે. વિશાલના ઘરમાંથી પોલીસે કપડાં જપ્ત કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે