નવી દિલ્હીઃ ઈરફાન રમઝાન શેખે વર્ષ 2017માં અપ્રતિમ હિંમતનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તેના ઘરે ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનાના બે વર્ષ બાદ મંગળવારે તેને આ હિંમત દેખાડવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા તેનું 'શૌર્ય ચક્ર' વડે તેનું સન્માન કરાયું હતું.
ઈરફાન રમઝાન શેખ 2017માં 14 વર્ષનો હતો જ્યારે તેના ઘર પર ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓ પાસે રાઈફલ્સ અને ગ્રેનેડ હતા અને તેઓ ઈરફાનના પિતા મોહમ્મદ રમઝાન શેખ કે જેઓ રાજકીય કાર્યકર્તા છે તેમની હત્યા કરવાના ઈરાદા સાથે આવ્યા હતા.
ઘરની બહાર જ્યારે અવાજ સાંભળ્યો તો ઈરફાને દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો આતંકવાદી ઉભા હતી. ઈરફાન જરા પણ ડર્યો નહીં અને તેમને ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે આતંકીઓ સાથે બાથ ભીડી લીધી હતી. આ અવાજ સાંભળીને તેના પિતા પણ ઘરની બહાર દોડી આવ્યા અને તેમણે પણ આતંકવાદીઓને મારવાનું શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કર્યો અને તેના પિતાને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા.
કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, ગોવામાં નવા CMના શપથ ગ્રહણ પર ઉઠાવ્યો સવાલ
તેમ છતાં ઈરફાન ડર્યો નહીં અને તેણે આતંકીઓ સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું. આ લડાઈમાં એક આતંકવાદી પણ ઘાયલ થયો હતો, જેને તેના સાથીદારો ત્યાં જ મુકીને નાસી છુટ્યા હતા. આ ઘટનાને કારણે ઈરફાન તેના સ્થાનિક સમુદાયમાં હીરો બની ગયો હતો. કેમ કે, તેણે અપ્રતિમ હિંમતનું પ્રદર્શન કર્યું હતું.
મંગળવારે, આ કિશોર તેના આ સાહસ દેખાડવા બદલ રાષ્ટ્રપતિભવનમાં વડા પ્રધાન મોદી અને અન્ય સર્વોચ્ચ પદાધિકારીઓની હરોળમાં બેઠો હતો. અહીં એક સમારોહમાં રાષ્ટ્રપતિના હાથે તેને 'શૌર્ય ચક્ર' એનાયત કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે