નવી દિલ્હી, બેંગ્લુરુ: કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. લગભગ એક ડઝન જેટલા ધારાસભ્યોના રાજીનામાના કારણે મુશ્કેલીમાં મુકાયેલી કોંગ્રેસ જેડીએસની સરકાર હવે શક્તિ પરિક્ષણ કરવા જઈ રહી છે. આ બધા વચ્ચે બે બળવાખોર ધારાસભ્યો રાજીનામા પાછા ખેંચી તેવી શક્યતા છે. નારાજ કોંગ્રેસ ધારાસભ્યો એમટીબી નાગરાજે કહ્યું છે કે મે અને સુધાકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. મારી પાર્ટીના તમામ નેતાઓએ મને કહ્યું છે કે મારે મારી પાર્ટીમાં જ રહેવું જોઈએ. આથી મેં નિર્ણય લીધો છે કે હું મારું રાજીનામું પાછું ખેંચીશ.
નાગરાજે કહ્યું કે હું સુધાકરને પણ સમજાવીશ. મને પૂરેપૂરી આશા છે કે તેઓ પણ પોતાનું રાજીનામું પાછું ખેંચશે. આમ બે ધારાસભ્યો પોતાના રાજીનામા પાછા ખેંચશે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અને જેડીએસના 10 ધારાસભ્યો હજુ પણ મુંબઈમાં છે અને રાજીનામું આપવાની જીદ પર અડેલા છે.
આ તાજા ઘટનાક્રમ પર કર્ણાટક કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું કહેવું છે કે અમને આશા છે કે અમે અમારા તમામ એમએલએને મનાવી લઈશું. શક્તિ પરિક્ષણ વખતે અમે બધા સાથે હોઈશું.
જુઓ LIVE TV
આ બધા વચ્ચે કોંગ્રેસની મુશ્કેલી ત્યારે વધી ગઈ જ્યારે 5 વધુ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પોતાનું રાજીનામું મંજૂર કરાવવા માટે અરજી આપી. આ પ્રકારે કોંગ્રેસ જેડીએસ સરકારમાંથી કુલ 15 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. બે અપક્ષ ધારાસભ્યો પહેલેથી જ ભાજપ સાથે જોડાઈ ગયા છે. 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં ભાજપ પાસે હવે બે અપક્ષ ધારાસભ્યો સહિત 107 સભ્યો છે. હવે બધાની નજર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે