નવી દિલ્હીઃ ભારતમાં અશાંતિ ફેલાવા માટે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ નેપાળને પોતાનું નવું ઠેકાણું બનાવ્યું છે. ગુપ્તજર એજન્સીઓ મુજબ લશ્કર-એ-તૈયબાએ નેપાળમાં પોતાનો બેઝ બનાવી લીધો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાકિસ્તાન હાઈકમીશન આ કામમાં લશ્કરની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પણ આતંકવાદીઓની ભરતીમાં મદદ કરી રહી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ISIએ એક NGO બનાવ્યું છે, જેની મદદથી લશ્કર સહિત અન્ય આતંકી સંગઠનોમાં આતંકવાદી બનાવવા માટે યુવાનોની પસંદગી કરવામાં આવે છે. ગુપ્ત અહેવાલમાં જણાવાયું છે કે, નેપાળના મોરંગ જિલ્લાના વિરાટનગરમાં ISIની મદદથી લશ્કરે એક મોટો બેઝ કેમ્પ બનાવ્યો છે.
એવું કહેવાય છે કે, અહીં લશ્કર નેપાળી લોકોને પણ ફોસલાવીને આતંકી બનાવી રહ્યું છે. ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આતંકી બનાવાયેલા નેપાળી લોકોની મદદ લઈ શકાય છે. એક વાત એવી પણ છે કે, લશ્કર-એ-તૈયબાએ ભારતના હરિયાણાના કેટલાક ભાગમાં યુવાનોને ફોસલાવવા માટે નાણાં વેર્યા છે. હરિયાણામાં લશ્કરે મોટું ફંડિંગ કર્યું છે.
જોકે, દિલ્હી લઘુમતી આયોગની એક તપાસ સમિતીએ જણાવ્યું છે કે, હરિયામાં ટેર ફંડિંગના કોઈ પુરાવા મળ્યા નથી. એવા સમાચાર મળ્યા હતા કે, આતંકવાદી સંગઠનના નાણાનો ઉપયોગ હરિયાણાના પલવલમાં એક મસ્જિદ બનાવવા માટે કરાયો છે. આયોગે બુધવારે આ અંગે પોતાનો એક રિપોર્ટ પણ બહાર પાડ્યો છે.
માનવાધિકાર કાર્યકર્તા અને આયોગના સલાહકાર ઓવૈસ સુલતાનની અધ્યક્ષતાવાળી ચાર સભ્યોની સમિતિની રચના મીડિયામાં આવેલા સમાચાર બાદ કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અજાણ્યા સુત્રોના હવાલાથી દાવો કરાયો હતો કે, પાકિસ્તાન આધારિત આતંકવાદી હાફિઝ સઈદના ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પાસેથી મળેલા નાણાનો ઉપયોગ મસ્જિદ નિર્માણમાં કરાયો હશે.
ઓવૈસે જણાવ્યું કે, 'સમિતિને એવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે કહી શકાય કે પલવલના ઉત્તવારમાં ખુલફા-એ-રાશિદીન મસ્જિદના નિર્માણ માટે આતંકવાદીઓ પાસેથી નાણા મળ્યા હતા.'
એનઆઈએએ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સાથે જોડાયેલા આતંકી મોડ્યુલની તપાસ માટે જુલાઈમાં એક કેસ દાખલ કર્યો હતો. જેમાં દિલ્હીમાં રહેતા કેટલાક લોકોને આ સંગઠનના વિદેશમાં રહેલા સભ્યો પાસેથી નાણા મળી રહ્યા છે અને તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે થઈ રહ્યો છે.
ઓવૈસે જણાવ્યું કે, આ મસ્જિદ તબલિગી જમાત સાથે સંબંધિત છે, જ્યારે લશ્કર-એ-તૈયબા અને એફઆઈએફ સલાફી વિચારધારાને માને છે. આ બંને શાખા એક-બીજાની તાલીમ અને પરંપરાઓ સાથે સહમતી ધરાવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે