મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. 90 વર્ષના અન્નાસાહેબ ડાંગેની 23 વર્ષ બાદ ઘરવાપસી થઈ છે. તેમણે ભાજપમાં વાપસી કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમને ફરીથી ભાજપ જોઈન કરાવ્યું છે. તેઓ શરદ પવાર સાથે હતા. તેમણે આ પગલું એવા સમયે લીધુ કે જ્યારે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (એસપી) સંઘર્ષ કરી રહી છે. ખુબ ઉંમરલાયક ડાંગેની ઘરવાપસી ભાજપ માટે ફક્ત એક પ્રતિકાત્મક પગલું નથી પરંતુ તેનાથી ઓબીસી સમાજ અને ખાસ કરીને ધનગર સમુદાયને એક મજબૂત રાજકીય સંદેશ પણ ગયો છે.
ડાંગે ધનગર સમુદાયથી આવે છે
વાત જાણે એમ છે કે અન્નાસાહેબ ડાંગે એ નેતા છે જેમણે જનસંઘના જમાનાથી લઈને ભાજપના પહેલા સત્તાકાળ સુધી પાર્ટી માટે જમીન સ્તરે કામ કર્યું. 80ના દાયકામાં જ્યારે પાર્ટીએ 'MADHAV' રણનીતિ (માળી, ધનગર, અને વંજારી સમુદાયો) દ્વારા પોતાનો આધાર ઊભો કરવાનો શરૂ કર્યો તે સમયે ડાંગે, ગોપીનાથ મુંડે, સૂર્યભાણ વહાડણેઅને એનએસ ફરણ્ડે જેવા નેતાઓએ આ મિશનને જમીન સ્તરે પહોંચાડ્યું હતું. ડાંગે પોતે ધનગર સમુદાયથી આવે છે અને આ જ કારણ છે કે તેમની વાપસીને ભાજપ એક મહત્વનું પગલું માની રહી છે.
જૂના ભાજપાઈ છે ડાંગે
1995 થી 1999 સુધી જ્યારે ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બની તો ડાંગેને કેબિનેટ મંત્રી બનાવીને ગ્રામ વિકાસ અને પંચાયત રાજ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જો કે 2002માં તેમણે એમ કહીને પાર્ટી છોડી કે તેમને મુંડે અને પ્રમોદ મહાજનના પ્રભુત્વના કારણે બાજુ પર હડસેલવામાં આવ્યા. ત્યારબાદ તેમણે લોકરાજ્ય પાર્ટી બનાવી અને પછી 2011માં એનસીપીમાં જોડાઈ ગયા જ્યાં તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ પવારની પાર્ટીમાં પણ તેમને પ્રભાવી ભૂમિકા મળી નહીં અને તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.
હવે જ્યારે શરદ પવારની પાર્ટી પોતે અસ્તિત્વના સંકેટ સામે ઝઝૂમી રહી છે ત્યારે ભાજપે જૂના નેતાઓ માટે દરવાજા ફરીથી ખોલ્યા છે. પાર્ટીનું માનવું છે કે ડાંગે જેવા વરિષ્ઠ નેતા માર્ગદર્શન આપવાની સાથે સાથે સામાજિક સંતુલન અને છબી નિર્માણમાં મદદ કરશે. ખુદ ડાંગેનું કહેવું છે કે તેઓ હવે કોઈ પદની આશા રાખતા નથી તેમની પાસે પહેલેથી જ શિક્ષણના ક્ષેત્રમાં અનેક સંસ્થાન છે.
પાર્ટીમાં હાંસિયામાં ધકેલાયા?
ભાજપમાં ફરીથી સામેલ થતા ડાંગેએ જૂની વાતોનો ઉલ્લેખ કરતા કઈ રીતે પ્રમોદ મહાજનને વાજપેયીએ ઉત્તરાધિકારી તરીકે જોયા તે કહ્યું. ત્યારબાદ મહારાષ્ટ્રમાં મુંડેના પક્ષમાં સમીકરણો બનવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે આ એ દૌર હતો કે જ્યારે તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલવામાં આવ્યા હતા. જો કે મુખ્યમંત્રી ફડણવીસે તેને 'ગેરસમજ' ગણાવી અને કહ્યું કે અમે ડાંગેજી પાસે આશીર્વાદ લેવા આવ્યા છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે