પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના 14,000 કરોડ રૂપિયાના કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી બેલ્જિયમમાં દબોચી લેવાયો છે. આ સમાચાર 14 એપ્રિલ 2025ના રોજ સામે આવ્યા છે. જ્યારે ભારતીય તપાસ એજન્સીઓની ભલામણ પર બેલ્જિયમ પોલીસે ચોક્સીને પકડ્યો. આ ધરપકડ મુંબઈની એક કોર્ટ દ્વારા ઈશ્યુ કરાયેલા બિનજામીનપાત્ર વોરન્ટ (23 મે 2018 અને 15 જૂન 2021)ના આધારે થઈ છે. ભારતીય અધિકારી હવે ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં લાગ્યા છે.
ચોક્સી પહેલા એન્ટીગુઆ અને પછી બારમૂડામાં રહેતા હતા. જ્યાં તેમણે 2017માં નાગરિકતા મેળવી હતી. 2023માં તેઓ તેમની પત્ની પ્રીતિ ચોક્સી કે જેઓ બેલ્જિયમના નાગરિક છે તેમની સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં રહેવા લાગ્યા. રિપોર્ટ્સ મુજબ તેમણે ફેક દસ્તાવેજો દ્વારા બેલ્જિયમમાં એફ રેસિડેન્સી કાર્ડ મેળવ્યું હતું. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો કે ચોક્સી સ્વિટ્ઝરલેન્ડમાં કેન્સરની સારવારની યોજના ઘડી રહ્યા હતા જેથી કરીને પ્રત્યાર્પણથી બચી શકાય.
ભારતીય તપાસ એજન્સીઓ જેમ કે સીબીઆઈ, અને ઈડી ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પીએનબી જોડે કૌભાંડનો આરોપ લગાવી રહયા છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને ભારત પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યું છે. ચોક્સીએ હંમેશા દાવો કર્યો છે કે તેમના વિરુદ્ધ કેસો એ રાજકીય ષડયંત્રનો ભાગ છે. તેમણે એમ પણ કહ્યું કે સ્વાસ્થ્ય કારણોસર તેઓ ભારત પાછા ફરી શકતા નથી.
બેલ્જિયમ સરકારે પહેલા કહ્યું હતું કે તેઓ ચોક્સી મામલે નજર રાખી રહ્યા છે પરંતુ આ કેસ તેમના ન્યાય વિભાગના દાયરામાં છે. હવે તેમની ધરપકડ બાદ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થઈ શકે છે. જો કે તે જટિલ બની શકે છે કારણ કે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છતાં ચોક્સી સ્વાસ્થ્ય અને કાનૂની આધારો પર જામીન માંગી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે