Home> India
Advertisement
Prev
Next

9 મહિના બાદ ધરતી પર પાછા ફરેલા સુનિતા વિલિયમ્સ જલદી આવશે ભારત, પિતરાઈ બહેને કર્યું કન્ફર્મ

આખરે સુનિતા વિલિયમ્સની ધરતી પર સુરક્ષિત વાપસી  થઈ ગઈ છે. આ સાથે જ ભારતમાં પણ ખુશીની લહેર દોડી ઉઠી છે. સુનિતા વિલિયમ્સના પિતરાઈ બહેને કહ્યું કે તેઓ જલદી ભારત આવશે. 

9 મહિના બાદ ધરતી પર પાછા ફરેલા સુનિતા વિલિયમ્સ જલદી આવશે ભારત, પિતરાઈ બહેને કર્યું કન્ફર્મ

ભારતીય મૂળના નાસા અંતરિક્ષ યાત્રી  સુનિતા વિલિયમ્સ આજે સવારે પૃથ્વી પર સુરક્ષિત પાછા ફર્યા. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર 9 મહિના રહ્યા બાદ સુનિતા વિલિયમ્સ ધરતી પર પાછા ફર્યા છે. સુરક્ષિત લેન્ડિંગ  બાદ તેમના ગુજરાત સ્થિત પૈતૃક ગામના રહીશો ખુબ ખુશખુશાલ છે. સુનિતાના કઝીન સિસ્ટર ફાલ્ગુની પંડ્યાએ કહ્યું કે આ એક અવિસ્મરણિય પળ છે. 

fallbacks

સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષ યાનથી સુનિતા અને તેમના સહયોગી બુચ વિલોરે ફ્લોરિડાના કાંઠે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. તેમની કઝીન સિસ્ટર ફાલ્ગુની પંડ્યાએ એનડીટીવી સાથે વાતચીતમાં કહ્યું કે, અમે ખુબ ખુશ છીએ કે તે સુરક્ષિત પાછી ફરી છે. હવે અમે સાથે રજાઓ ગાળવાની યોજના ઘડી રહ્યા છીએ અને પરિવાર સાથે સમય વિતાવીશું. 

સુનિતા વિલિયમ્સ ભારત આવશે
ફાલ્ગુની પંડ્યાએ એનડી ટીવી સાથે વાતચીતમાં કહ્યું કે સુનિતાના ઘરે પાછા ફરવાની પળ એક સપના જેવી હતી. તેમણે એમ પણ કહ્યું કે સુનિતા વિલિયમ્સ જલદી ભારત આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને એક પત્ર લખીને શુભકામનાઓ આપી છે અને કહ્યું કે ભારત તેમની યાત્રાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે 1.4 અબજ ભારતીયોને તમારી ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તમારી પ્રેરણાદાયક દ્રઢતા અને સાહસ હાલની ઘટનાઓમાં એકવાર ફરીથી સાબિત થઈ છે. તેમણે એ પણ જણાવ્યું કે જ્યારે તેઓ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેનને મળ્યા હતા ત્યારે તેમણે સુનિતા વિલિયમ્સ વિશે જાણકારી લીધી હતી. 

શું સુનિતા વિલિયમ્સ ફરીથી અંતરિક્ષમાં જશે કે મંગળ ગ્રહ પર ઉતરનારા પહેલા વ્યક્તિ બનશે? તેના પર કઝીન સિસ્ટરે કહ્યું કે તેમની મરજી પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે તેઓ અમારા બધા માટે એક આદર્શ છે. મહેસાણા જિલ્લામાં ઝૂલાસણ ગામમાં લોકો ખુબ ઉત્સાહમાં છે. આ ગામ વિલિયમ્સના પિતા દીપક પંડ્યાનું પૈતૃક ગામ છે. સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા 1957માં અમેરિકા ગયા હતા. 

9 મહિના બાદ પૃથ્વી પર વાપસી
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે 5 જૂન 2024ના રોજ બોઈંગ સ્ટારલાઈનરના પહેલા માનવ મિશન હેઠળ અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી હતી. આ મિશન ફક્ત થોડા દિવસ માટે હતું. પરંતુ ટેક્નિકલ ખામી સર્જાતા સ્ટારલાઈનર વાપસી માટે યોગ્ય ન ઠર્યું. જેના કારણે બંને અંતરિક્ષયાત્રીઓ આઈએસએસમાં ફસાઈ ગયા. ત્યારબાદ નાસાએ સ્પેસએક્સ-નાસા-ક્રુ 9 મિશનમાં ફેરફાર કરીને એક વિશેષ ફ્લાઈટથી બંનેને પાછા લાવવાનો નિર્ણય લીધો. ક્રુ-10ની ટીમે હાલમાં જ આઈએસએસમાં પહોંચીને તેમની વાપસીનો રસ્તો સાફ કર્યો. 

પીએમ મોદીએ પોતાના પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો કે સુનિતાના માતા બોની પંડ્યા તેમના પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ સાથે જ તેમણે દિવંગત પિતા દીપક પંડ્યાને યાદ કરતા કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે તેમના આશીર્વાદ તમારી સાથે છે. ભારત અને દુનિયાભરના વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ પ્રેમીઓ માટે સુનિતા વિલિયમ્સની આ સફળ વાપસી  ખુબ પ્રેરણાદાયક છે. હવે બધાની નજર તેમના આગામી  ભારત પ્રવાસ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More