પહેલગામમાં આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાં દમ તોડી રહેલા આતંકવાદને જીવતો રાખવાની પાકિસ્તાનની નાપાક ચાલ ગણવામાં આવી રહ્યો છે. એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ પહેલગામમાં જાણીતા પર્યટન સ્થળ બેસરનમાં પ્રવાસીઓને ખાસ કરીને હિન્દુઓને એવા સમયે નિશાન બનાવવામાં આવ્યા જ્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતના પ્રવાસે હતા અને પીએમ મોદી સાઉદી અરબ ગયા હતા. જેને કાશ્મીર મુદ્દાને વૈશ્વિક સ્તરે જીવતો રાખવાની પાકિસ્તાનની જદ્દોજહેમત તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર નું ગત અઠવાડિયે આવેલું એ નિવેદન જેમાં તેમણે કાશ્મીરને ગળાની નસ ગણાવ્યું હતું. આ સાથે જ દોહરાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરને ક્યારેય ભૂલી શકશે નહીં. આવા આતંકી હુમલાને અંજામ આપીને પાકિસ્તાની સરકાર અને સેનાની કોશિશ છે કે દેશમાં મચેલી ઉથલ પાથલથી ધ્યાન ભટકાવી શકાય. આ સાથે જ આંતરિક હાલાતોથી દબાણ મહેસૂસ કરી રહેલી સેનાને થોડી રાહત મળે.
પહેલગામમાં હુમલો એવા સમયે થયો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં શાંતિનો માહોલ પાછો ફર્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. કાશ્મીર પર નજર રાખતા લોકોનું કહેવું છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસ વચ્ચે પર્યટકો પર હુમલાએ 25 વર્ષ પહેલા થયેલા છત્તીસિંહપુરામાં શીખોના હત્યાકાંડની યાદ અપાવી. ત્યારે તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દિલ્હી પ્રવાસે હતા.
આતંકી સંગઠનો અને પાકિસ્તાનની ચાલ છે કે કાશ્મીર મુદ્દાને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવામાં આવે. પરંતુ દુનિયામાં ભારતની વધતી શાખ આગળ પાકિસ્તાનનું ચપ્પણીયું ચાલતું નથી. હકીકતમાં જમ્મુ કાશ્મીરને કલમ 370 હેઠળ મળેલા બંધારણીય દરજ્જાને ખતમ કરવાનો અને ઘાટીમાં સક્રિય આતંકી સંગઠનોની કમર તોડવા માટે સુરક્ષાદળોના ચાલતા અભિયાનથી આતંકીઓ ગિન્નાયેલા છે.
ભલે લશ્કર એ તૈયબાનું મુખૌટુ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્મે બેસરનમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી હોય પરંતુ આ સંદેશો પાકો થયો છે કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના સમર્થન વગર આટલા મોટા હત્યાકાંડને અંજામ આપી શકાય નહીં. પાકિસ્તાની સેનાઅધ્યક્ષ જનરલ આસિમ મુનીરનું કાશ્મીર પરનું હાલનું નિવેદન તો એક વાત પર ઈશારો કરે છે. મુનીરે 16 એપ્રિલના રોજ ઈસ્લામાબાદમાં કાશ્મીરને ગળાની નસ ગણાવ્યું હતું અને કે ક્યારેય ભૂલી શકાય નહીં એમ કહ્યું હતું. મુનીરે કહ્યું હતું કે ભારતના કબજા વિરુદ્ધ અમે અમારા કાશ્મીરી ભાઈ બહેનોના સંઘર્ષથી ક્યારેય પાછળ હટીશું નહીં.
સુરક્ષા હાલાતો પર નજર રાખતા વિશ્લેષકોનું કહેવું છે કે આતંકી હુમલો એવા સમયે થયો જ્યારે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ ઘરેલુ દબાણ ઝેલી રહી છે. તહરીક એ તાલિબાન પાકિસ્તાન જેવા આતંકી સમૂહોએ તેમના પાયા હચમચાવી નાખ્યા છે. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં તાલિબાન અને બલૂચિસ્તાનના ઉગ્રવાદી સંગઠનોના એ વિસ્તારોમાં વર્ચસ્વથી સરકારી એજન્સીઓ કશું કરી શકતી નથી. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હાલમાં જ 380 મુસાફરોવાળી ટ્રેન હાઈજેક કરીને પાકિસ્તાની ફૌજની ઊંઘ ઉડાવી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે