India Pakistan ceasefire violation : યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ કરી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી હજુ પણ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર શ્રીનગર, ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.
આ ઉપરાંત, પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં પણ તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ રહેવાસીઓને બધી લાઇટ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાને અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. પાકિસ્તાને જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય દળોને યોગ્ય જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે બીએસએફને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનાઓ પછી, જમ્મુના મોટા ભાગમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બારામુલ્લામાં પણ અંધારપટ છવાઈ ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
આ ઉપરાંત, રાજસ્થાનના પોખરણમાં મોટી સંખ્યામાં ડ્રોન દેખાયા છે. જોકે, એર ડિફેન્સ સિસ્ટમ તેને નષ્ટ કરી રહી છે. રાજૌરીમાં પણ ગોળીબારના અહેવાલો છે. તો પંજાબના અમૃતસર અને ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે