Pahalgam attack:પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ભારત દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારથી પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે અને સતત ધમકીઓ આપી રહ્યું છે. હુમલા બાદથી ભારતે દ્વિપક્ષીય વેપાર સંપૂર્ણપણે સ્થગિત કરી દીધો છે. આવી સ્થિતિમાં જ્યારથી દવાઓનો પુરવઠો બંધ થયો છે ત્યારથી પાકિસ્તાન ચિંતિત છે. તેણે દવાઓ સપ્લાય કરવા માટે ઈમરજન્સી સોલ્યુશન્સ શોધવાનું શરૂ કર્યું છે.
પડોશી શોધી રહ્યા છે નવા વિકલ્પ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સાથેનો વેપાર બંધ થયા બાદ પાકિસ્તાન સરકારે દવાઓની માંગને પહોંચી વળવા અન્ય ઉપાયો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટર પર પ્રતિબંધની અસર અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, જો કે ઈમરજન્સી પ્લાન પહેલેથી જ અમલમાં છે.
કાચા માલ માટે ભારત પર નિર્ભર છે પાકિસ્તાન
તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાન તેના ફાર્માસ્યુટિકલ કાચા માલના 40 ટકા સુધી ભારત પર નિર્ભર છે, જેમાં સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો અને વિવિધ અદ્યતન ઉપચારાત્મક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ચીન અને રશિયા સાથે સંપર્ક સ્થાપિત કરી રહ્યું છે. જેથી તે પોતાની તબીબી જરૂરિયાતો પૂરી કરી શકે. નેશનલ હેલ્થ સર્વિસીસ એન્ડ રેગ્યુલેશન મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, પાકિસ્તાન તેની દવાઓ માટેના 30-40 ટકા કાચા માલની આયાત ભારતમાંથી કરે છે.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. હાલમાં NIA આ મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ સેના સતત એક્શનમાં છે. અત્યાર સુધીમાં તે કાશ્મીરમાં 8 આતંકવાદીઓના ઘરોને નષ્ટ કરી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે