Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- કાશી તો અવિનાશી છે, અહીં એક જ સરકાર છે...

 PM નરેન્દ્ર મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ આ પહેલા ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું તથા પૂજા કરી.

PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- કાશી તો અવિનાશી છે, અહીં એક જ સરકાર છે...

વારાણસી: PM નરેન્દ્ર મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ આ પહેલા ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું તથા પૂજા કરી. આ અવસરે પીએમ મોદીએ કાશીના ગૌરવપૂર્ણ ઈતિહાસને યાદ કર્યો. પીએમ મોદીએ શિવાજી અને રાજા સુહેલદેવથી લઈને હોલ્કરના મહારાણી અને મહારાજા રણજીત સિંહના યોગદાનને પણ યાદ કર્યું. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન બાદ સંબોધન પણ કર્યું. જેમાં તેમણે ત્રણ સંકલ્પ લેવા પણ જણાવ્યું. 

fallbacks

દેશ માટે કરો આ ત્રણ સંકલ્પ
પ્રધાનમંત્રીએ કહ્યું કે મંદિરમાં આપણે ભગવાન પાસે અનેકવાર કઈને કઈ માંગીએ છીએ. મારા માટે જનતા ઈશ્વરનું રૂપ છે. હું તમારી પાસે માંગુ છું કે આપણા દેશ માટે ત્રણ સંકલ્પ કરો. પહેલો સ્વચ્છતા, બીજો સૃજન, અને ત્રીજો આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ. પીએમ મોદીએ કહ્યું કે માતા ગંગાની સફાઈ માટે ઉત્તરાખંડથી લઈને પશ્ચિમ બંગાળ સુધી અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. હું આહ્વાન કરું છું કે પૂરી તાકાતથી સૃજન કરો, ઈનોવેટિવ રીતે ઈનોવેટ કરો. દરેક ભારતવાસી જ્યાં પણ છે જે પણ ક્ષેત્રમાં છે, દેશ માટે કઈક નવા પ્રયત્ન કરશે ત્યારે નવા માર્ગ બનશે. જ્યારે ભારત 100 વર્ષ આઝાદીના ઉજવશે ત્યારે ભારત કેવું હશે તેના માટે અત્યારથી પ્રયત્ન કરવાનો રહેશે. આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું છે. એવું ભારત બનાવવાનું રહેશે જેમાં આપણે વોકલ માટે લોકલ બનીએ. આ વિશ્વા સાથે હું બાબા વિશ્વનાથ અને તમામ દેવી દેવતાઓના ચરણોમાં પ્રણામ કરું છું. 

આજનું ભારત પોાતના ખોવાયેલા વારસાને શોધી રહ્યું છે- પીએમ
પીએમ મોદીએ કહ્યું કે સોમનાથથી લઈને વિશ્વનાથ સુધી દ્વાદશ જ્યોતિર્લિંગ સુધીનું સ્મરણ કરવા માત્રથી તમામ કામ સિદ્ધ થઈ જાય છે. કારણ કે તેમાં સમગ્ર ભારતનું ભ્રમણ થઈ જાય છે. જ્યારે ભારતનો ભાવ આવી જાય છે તો કઈ પણ અસંભવ ક્યાં બચે છે? જો વિચારી લેવામાં  આવે, નક્કી કરી લેવામાં આવે તો કઈ પણ અશક્ય નથી. દરેક ભારતવાસીની ભૂજાઓમાં તે બળ છે જે દરેક અશક્ય કામને સરળ બનાવી દે છે. પડકાર  ભલે ગમે તેટલો મોટો કેમ ન હોય અમે ભારતીયો મળીને તેને હરાવી શકીએ છીએ. જેવી દ્રષ્ટિથી આપણે પોતાને જોઈશું, વિશ્વ પણ આપણને એ જ રીતે જોશે. તેમણે વધુમાં કહ્યું કે આજનું ભારત ફક્ત અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર જ નથી બનાવી રહ્યું, પરંતુ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ પણ બનાવી રહ્યું છે. કાશીમાં ફક્ત ભવ્ય કોરિડોર નથી બની રહ્યો, પરંતુ ગરીબોના પાકા મકાન પણ બની રહ્યા છે. પૂરા ભક્તિભાવથી કામ કરાયું છે. આજનું ભારત પોાતના ખોવાયેલા વારસાને શોધી રહ્યું છે. માતા અન્નપૂર્ણાની કૃપાથી કોરોનાકાળમાં મફત રાશનની વ્યવસ્થા થઈ. 

દરેક વર્ગના લોકો કાશી સાથે જોડાણ મહેસૂસ કરે છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાશી એ જગ્યા છે જ્યાં ગોસ્વામી તુલસીદાસજીએ ભગવાન શિવની પ્રેરણાથી રામચરિત માનસની રચના કરી. આ એ જગ્યા છે જ્યાં મહાકવિ કાલિદાસનો જન્મ થયો. શિવાજીને પણ અહીંથી પ્રેરણા મળી. કેટલાય આચાર્યોની જન્મભૂમિ અને કર્મભૂમિ કાશી છે. કાશીના વિકાસમાં આ અનન્ય પૂજનીયોની ઉર્જા સામેલ છે. આથી દરેક વર્ગના લોકો કાશી આવ્યા બાદ તેની સાથે જોડાવ મહેસૂસ કરે છે. તેમણે કહ્યું કે બાબા વિશ્વનાથ મંદિરની આભા વધારવા માટે મહારાજા રણજીત સિંહે 23 મણ સોનું દાન કર્યું હતું. ગુરુનાનકજીએ પણ અહીં સત્સંગ કર્યો હતો. દક્ષિણ ભારતના રાજાઓએ પણ કાશી માટે યોગદાન આપ્યું. અહીં દરેક શૈલીના મંદિર મળી જશે. મારો જૂનો અનુભવ છે કે ઘાટ પર રહેતા અને નાવ ચલાવતા તેલૂગુ, તમિલ, અને મલિયાલમ એટલું ફટાફટ બોલે છે કે લાગે છે જાણે દક્ષિણ ભારત તો નથી આવી ગયા ને. 

કાશીમાં સત્ય જ સંસ્કાર છે, પ્રેમ જ પરંપરા
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીમાં સત્ય જ સંસ્કાર છે,  કાશી તે છે જ્યાં પ્રેમ જ પરંપરા છે. કાશી અંગે જે પણ કહું તે ઓછું છે. આ કાશી શિવમયી છે, જ્ઞાનમયી છે. ભગવાન શિવે પોતે કહ્યું કે ધરતીના ક્ષત્રોમાં કાશી સાક્ષાત મારું જ શરીર છે. આથી અહીંનો દરેક પથ્થર શંકર છે. શાસ્ત્રોના વાક્ય છે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન શિવના દર્શન થાય છે. કાશી જીવત્વને શિવત્વ સાથે જોડે છે. 

ઔરંગઝેબના અત્યાચારનું કાશી સાક્ષી
પીએમ મોદીએ કહ્યું કે કેટલીય સલ્તનતો આવી અને માટીમાં ભળી ગઈ પરંતુ બનારસ ત્યાંનું ત્યાં જ છે. ઔરંગઝેબના અત્યાચારનું કાશી સાક્ષી છે. જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડવાની કોશિશ કરી. અહીં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઊભા થાય છે. જો સાલાર મસૂદ આગળ વધે છે તો મહારાજા સૂહેલદેવ તેનો મુકાબલો કરે છે. અંગ્રેજોના જમાનામાં કાશીના લોકોએ શૌર્ય દેખાડ્યું. આજનું સમય ચક્ર જુઓ, આતંકના પર્યાય ઈતિહાસના કાળા પાનામાં સમેટાઈને રહી ગયો છે. 

પીએમ મોદીએ કાશીના લોકોનો માન્યો આભાર
પીએમ મોદીએ કહ્યું કે બાબાની સાથે જો કોઈ અન્યનું યોગદાન હોય તો તે બાબાના ગણોનો છે. એટલે કે તમામ કાશીવાસીઓનો છે જે ખુબ મહાદેવનું સ્વરૂપ છે. જ્યારે પણ બાબાને પોતાની શક્તિનો અનુભવ કરાવવાનો હોય છે તો  કાશીને માધ્યમ બનાવે છે. કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરોનો હું આભાર માનું છું. તેમણે કોરોનાકાળમાં પણ નિર્માણ કાર્ય અટકવા દીધુ નહીં. જે લોકોના અહીં ઘર હતા હું તેમનો પણ અભિવાદન કરું છું. કર્મયોગી સીએમ યોગી અને તેમની ટીમનો પણ આભાર માનું છું. 

'કાશી અવિનાશી, અહીં એક જ સરકાર'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું બનારસ આવ્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો. મને મારા કરતા બનારસના લોકો પર વિશ્વાસ હતો. કેટલાક લોકો કહેતા હતા કે કેવી રીતે થશે? આ તો થશે જ નહીં. મોદી જેવા અનેક લોકો આવીને જતા રહ્યા. બનારસ વિશે ધારણાઓ બનવા લાગી. આ જડતા બનારસની નહતી. અંગત સ્વાર્થ માટે બનારસ પર આરોપ લગાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે કાશી તો કાશી છે, કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરું છે, તેની સરકાર છે. જ્યાં ગંગા પોતાની ધારા બદલીને વહેતી હોય, તે કાશીને ભલા કોણ રોકી શકે? અહીં બધુ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે પણ કઈ થયું તે બધુ મહાદેવે કર્યું છે. 

જેવો કોઈ કાશીમાં પ્રવેશ કરે છે તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે- પીએમ
પીએમ મોદીએ કહ્યું કે આપણા પુરાણોમાં કહ્યું છે કે જેવો કોઈ કાશીમાં પ્રવેશ કરે છે તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, એક અલૌકિક ઉર્જા અહીં આવતા જ આપણા અંતરાત્માને જાગૃત કરી દે છે. તેમણે વધુમાં કહ્યું કે તમે જ્યારે અહીં આવશે તો ફક્ત આસ્થાના દર્શન નહીં કરો. પ્રાચીનતા  અને નવીનતા એક સાથે સજીવ થઈ રહી છે, કેવી રીતે પુરાતનની પ્રેરણાઓ ભવિષ્યને દિશા આપી રહી છે તેના પણ સાક્ષાત દર્શન વિશ્વનાથ ધામ પરિસરમાં આપણે કરી રહ્યા છીએ. 

ભારતની પ્રાચિનતાનું પ્રતિક- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે. 

કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન
પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. હજારો વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે બાબા વિશ્વનાથના ચરણોમાં શીશ નમાવું છું. હમણા જ હું બાબા સાથે નગર કોટવાલ કાળ ભૈરવજીના પણ દર્શન કરીને આવું છું. કાશીમાં કઈ પણ નવું થાય તો સૌથી પહોલા તેમને પૂછવું જરૂરી છે. 

સીએમ યોગીએ કર્યું સંબોધન
સીએમ યોગીએ ઉદ્ધાટન સમારોહને સંબોધતા કહ્યું કે હજારો વર્ષોની પ્રતિક્ષા આજે પૂરી થઈ. ભારતમાતાના મહાન સપૂતે આ સપનાને પૂરું કર્યું. સમગ્ર  કાશી, દરેક ભારતવાસી અને દુનિયાભરમાં ભારતીય પરંપરાના દરેક અનુગામી પીએમ મોદીનો આજે આભાર માની રહ્યા છે. છેલ્લા 1000 વર્ષમાં કાશીએ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કર્યો. ઈન્દોરની મહારાણી આહિલ્યાબાઈએ મંદિરના જીર્ણોદ્ધારમાં યોગદાન આપ્યું. પરંતુ કાશી વિશ્વનાથ એક એવું સ્વરૂપ હશે જેની પરિકલ્પના ફક્ત મોદીએ કરી. 

તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 100 વર્ષ જૂની પીડા દૂર થઈ. 100 વર્ષ પહેલા જ્યારે તેઓ કાશી આવ્યા હતા ત્યારે અહીંની સાંકડી ગલીઓ અને ગંદકી જોઈને તેમને ખુબ દુખ થયું હતું. અનેક લોકો બાપુનું નામ લઈને સત્તામાં આવ્યા પરંતુ તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી થઈ નહીં. 

કોરિડોર બનાવનારા મજૂરો પર પુષ્પવર્ષા
પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરો પર પુષ્પવર્ષા કરી. એટલું જ નહીં તેમણે તમામ મજૂરો સાથે ફોટો પણ પડાવ્યો. 

મંદિર પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી કળશમાં જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. પીએમ મોદીએ 12 જ્યોતિર્લિંગથી લાવવામાં આવેલું જળ બાબાને ચડાવ્યું. મંદિર પરિસરમાં મંત્રોના પવિત્ર ધ્વનિ ગૂંજી રહ્યા છે. 

ગંગામાં લગાવી ડૂબકી
પીએમ મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાનને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને પછી પગપાળા જ કાશી વિશ્વનાથ મંદિર જવા માટે નીકળી ગયા. 

લલિતા ઘાટ પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી વારાણસીના લલિતા ઘાટ પહોંચી ગયા છે. અહીંથી પ્રધાનમંત્રી કળશમાં ગંગા નદીનું જળ લેશે અને કાશી વિશ્વનાથ મંદિર જશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. 

કાળ ભૈરવ મંદિર પહોંચ્યા પ્રધાનમંત્રી
વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદી કાળ ભૈરવ મંદિરે ગયા અને ત્યાં પૂજા અર્ચના કરી. 

PM મોદી વારાણસી પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા છે. એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અત્રે જણાવવાનું કે કાશી વિશ્વનાથ કોરિડોર પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. 

11 અર્ચકો સાથે થશે બાબાનો અભિષેક
અત્રે જણાવવાનું પીએમ મોદીના કાશી આગમન બાદ સૌથી પહેલા કાશીના કોટવાલ કાળ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. પીએમ મોદી હેલિકોપ્ટરથી ગંગા નદીના કિનારે ઉતરશે. પીએમ મોદી ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચશે. લલિતા ઘાટથી કળશમાં ગંગાજળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જશે. 11 અર્ચકો સાથે પીએમ મોદી બાબા વિશ્વનાથનો જળાભિષેક કરશે. બાબા વિશ્વનાથની પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. 

કાશીમાં ગંગા આરતી કરશે પીએમ મોદી
પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરીને DLW ગેસ્ટ હાઉસ જશે. સાંજે 5.30 વાગ્યાની આસપાસ પીએમ મોદી રવિદાસ ઘાટ પહોંચશે. જ્યાંથી ક્રૂઝથી દશાશ્વમેઘ ઘાટ જશે. અહીં પીએમ મોદી ગંગા આરતીમાં સામેલ થશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગંગા આરતીમાં સામેલ થશે. એ વાતની સંભાવના છે કે ગંગા આરતી બાદ ક્રૂઝ પર જ પીએમ મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન આતિશબાજી અને લેઝર શો જેવા કાર્યક્રમો થશે. ત્યારબાદ પીએમ મોદી DLW ગેસ્ટ હાઉસ જવા રવાના થશે. 

વારાણસીમાં પીએમ મોદીનો કાર્યક્રમ
- 12:00 PM થી 12:10 PM સુધી દર્શન-પૂજા કાળ ભૈરવ મંદિર
- 1:00 PM થી 1:20 PM સુધી દર્શન-પૂજા શ્રી કાશી વિશ્વનાથ મંદિર
- 1:25 PM થી 2:25 PM સુધી-શ્રી કાશી વિશ્વનાથ ધામનો લોકાર્પણ કાર્યક્રમ
- 2:30 PM થી 3:50 PM સુધી- રસ્તામાં વિભિન્ન ભવનોનું નીરિક્ષણ
- 3:50 PM વાગે- પ્રસ્થાન, રવિદાસ પાર્કથી DLW ગેસ્ટ હાઉસ
- 4:00 PM વાગ્યાથી 5:30 PM સુધી- DLW ગેસ્ટ હાઉસમાં સમય આરક્ષિત
- 6:00 PM થી 8:45 PM સુધી- આરક્ષિત, (ગંગા આરતી અને બેઠક)- રવિદાસ પાર્ક જેટ્ટી
- 9:10 PM વાગે- આગમન, DLW ગેસ્ટ હાઉસ, વારાણસી

આજે પૂરું થશે બાપુનું સપનું- યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાત્મા ગાંધી પણ જ્યારે વારાણસી આવ્યા હતા ત્યારે તેમણે પણ અહીંની સ્થિતિ જોઈને તીખી ટિપ્પણીઓ કરી હતી. પરંતુ 100 વર્ષોમાં કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. કાશી વિશ્વનાથે વિદેશી આક્રાંતાઓને ઝેલ્યા છે. 

કોરિડોરનું શ્રેય લેવા માટે લાગી હોડ
આ બાજુ અખિલેશ યાદવે ટ્વીટ કરી કે કાશી વિશ્વનાથ કોરિડોરની ક્રોનોલોજી: સપા સરકારમાં કરોડોની ફાળવણી થઈ, સપા સરકારમાં કોરિડોર હેતુ ભવનોનું અધિગ્રહણ શરૂ થયું અને મંદિરકર્મીઓ માટે માનદેય નક્કી કરાયું. 'પૈદલજીવી' જણાવે કે સપા સરકારના વરુણા નદીના સ્વસ્છતા અભિયાનને કેમ રોક્યું અને મેટ્રોનું શું થયું?

આ ઉપરાંત અખિલેશ યાદવે રવિવારે પીસીમાં પણ નિવેદન આપ્યું હતું કે કાશી વિશ્વનાથ કોરિડોરની શરૂઆત અમે કરી હતી. સપા સરકારમાં કેબિનેટથી કાશી વિશ્વનાથ કોરિડોર પાસ થયો. અમે તેનો ડોક્યુમેન્ટ તમને બધાને આપીશું. હવે ડોક્યુમેન્ટ સાથે વાત થશે, ડોક્યુમેન્ટ વગર કોઈ વાત નહીં થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More