મેઘાલયમાં પતિ રાજા રઘુવંશીની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલી ઈન્દોરની સોનમ રઘુવંશીના રહસ્યો એટલા ઊંડા છે. હનીમૂન કપલના મેઘાલયમાં ગૂમ થવાની કહાની દરરોજ નવા વળાંક લઈને આવી રહી છે. ગૂમ થયાની વાત મર્ડર સુધી પહોંચી ગઈ. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે રાજાની હત્યા થઈ હતી અને તેને સોનમ, રાજ અને તેના 3 મિત્રોએ અંજામ આપ્યો. પરંતુ હજુ પણ અનેક વણઉકેલાયેલા સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.
હજુ એ સ્પષ્ટ થવાનું બાકી છે કે આ હત્યાકાંડનો અસલ માસ્ટમાઈન્ડ કોણ છે, રાજ કુશવાહા કે સોનમ રઘુવંશી? ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં પોલીસ સૂત્રોની વાતચીતના આધાર પર જણાવવામાં આવ્યું છે કે સોનમ જ આ સમગ્ર મામલાની અસલ માસ્ટરમાઈન્ડ છે અને શક્ય છે કે રાજાનો ઉપયોગ એક મહોરા તરીકે કરવામાં આવ્યો. તમામ આરોપીઓની પૂછપરછની નિગરાણી કરતા વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે એવું લાગે છે કે સોનમે તમામને ફસાવીને તેમનો ઉપયોગ કર્યો. રાજને પ્રેમનું વચન આપ્યું તો અન્યને પૈસાની લાલચ.
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રાજ આ સમગ્ર મામલે અસલ માસ્ટરમાઈન્ડ છે. તે સોનમનો પ્રેમી ગણવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે આ મામલે હજુ પણ મોટા ખેલનો ખુલાસો થઈ શકે છે. એવું લાગે છે કે રાજનો ઉપયોગ મોહરા તરીકે થયો. તેમને શક છે કે સોનમ કોઈ ત્રીજા સાથે ભાગવાની ફિરાકમાં હતી અને રાજ આ સમગ્ર મોટા ખેલથી સાવ અજાણ હતો અને આથી તે સોનમ રઘુવંશીને મદદ કરતો રહ્યો.
હવે આ ત્રીજી વ્યક્તિ કોણ હતો તે હજુ સુધી ખુલાસો થયો નથી. પરંતુ નોંધવા જેવી વાત છે કે સોનમનો પરિવાર અને પ્લાયવુડ કંપનીમાં કામ કરતા લોકો વારંવાર એ વાત દોહરાવી રહ્યા છે કે સોનમ અને રાજ વચ્ચે કોઈ પ્રેમ સંબંધ નહતો. રાજ સોનમને દીદી કહેતો હતો અને સોનમ તેને અનેકવાર રાખડી બાંધી ચૂકી છે. જો સોનમ અને રાજ વચ્ચે સાચ્ચે જ કોઈ આવો સંબંધ ન હતો તો તેણે કોના માટે પતિનો જીવ લીધો, આ બધુ એક મોટો સવાલ ઊભો કરે છે.
શિલોંગ પોલીસ જ્યાં ઘટનાસ્થળ પર સોનમ અને અન્ય આરોપીઓને લઈ જઈને ક્રાઈમ સીન રિક્રિએટ કરીને પુરાવા ભેગા કરશે તો બીજી બાજુ આરોપીઓને ઈન્દોર પણ લઈ જવાની યોજના છે. રાજાની હત્યા બાદ સોનમ ઈન્દોરમાં ક્યાં રોકાઈ અને કોને કોને મળી તેની તપાસ બાદ નવા પહેલુઓ સામે આવી શકે છે. હાલ તમામ આરોપીઓની પૂછપરછ ચાલુ છે. બુધવારે સૂત્રોના હવાલે સમાચાર આવ્યા હતા કે સોનમે પુરાવા જોઈને પોતાનો ગુનો કબુલી લીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે