ઈન્દોરના વેપારી રાજા રઘુવંશીની હત્યાના મામલે એક નવો ખુલાસો થયો છે. પોલીસને હવે રાજાની પત્ની સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહા વચ્ચે ગુપ્ત વિવાહની આશંકા છે. પોલીસને સોનમ પાસેથી બે મંગળસૂત્ર મળ્યા છે. જેમાંથી એક રાજાના પરિવારે તેના લગ્ન સમયે આપ્યું હતું. જ્યારે બીજું કોણે આપ્યું તે હાલ તપાસનો વિષય છે.
રાજાની હત્યા પહેલા જ સોનમ અને રાજાએ કથિત રીતે ગુપ્ત વિવાહ કર્યા હતા એ અંગે શંકા ઉપજી રહી છે. ન્યૂઝ 18ને પોલીસ સૂત્રોએ જણાવ્યું કે તપાસ દરમિયાન બંને મંગળસૂત્ર મળી આવ્યા અને હવે એ સિદ્ધાંત ઉભરી રહ્યો છે કે સોનમ બેવડી જિંદગી જીવી રહી હતી.
કોણે છૂપાયા હતા સોનમના દાગીના?
મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યા બાદ સોનમ ઈન્દોર પાછી ફરી અને ભાડાના ફ્લેટમાં છૂપાઈ ગઈ. આ દરમિયાન એક અન્ય આરોપી શિલોમ જેમ્સે મહત્વપૂર્ણ પુરાવા છૂપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. શિલોમે કથિત રીતે સોનમના આભૂષણોને તેના ઈન્દોર સ્થિત ફ્લેટથી રતલામ પહોંચાડ્યા જ્યાં તેના સાસરીવાળા રહે છે.
શું કહ્યું રાજા રઘુવંશીના મોટા ભાઈએ?
પોલીસે હવે રતલામ સ્થિત સંપત્તિથી ગાયબ દાગીના જપ્ત કર્યા છે જેમાં એક સોનાની ચેન અને એક વિંટી પણ સામેલ છે. જે રાજાના મૃતદેહ પાસેથી ગાયબ હતી. બીજી બાજુ રાજા રઘુવંશીના મોટા ભાઈએ સોમવારે કહ્યું કે મુખ્ય આરોપી સોનમને તેના પરિવારે લગ્ન વખતે લગભગ 16 લાખના દાગીના ભેટમાં આપ્યા હતા.
23મેના રોજ ગૂમ થયો હતો રાજા રઘુવંશી
મેઘાલયમાં હનીમૂન ઉજવવા ગયેલા રાજા રઘુવંશી 22 મેના રોજ ગૂમ થયો હતો અને ત્યારબાદ ક્ષત વિક્ષત મૃતદેહ પૂર્વી ખાસી હિલ્સ જિલ્લાના સોહરા ક્ષેત્રમાં એક ઝરણા પાસે ઊંડી ખાઈમાં 2 જૂનના રોજ મળી આવ્યો હતો. રાજા રઘુવંશીના મોટા ભાઈ વિપિન રઘુવંશીએ આ દાવો મેઘાલય પોલીસ દ્વારા મધ્ય પ્રદેશના રતલામથી રવિવારે મહત્વના પુરાવા તરીકે કેટલાક દાગીના, લેપટોપ અને અન્ય સામગ્રી જપ્ત કરાયા બાદ બીજા દિવસે કર્યો.
હત્યાના આરોપમાં સોનમની ધરપકડ
મેઘાલયમાં હનીમૂન ઉજવવા ગયેલા રાજા રઘુવંશીની 23મેના રોજ કાવતરું ઘડીને હત્યા કરાઈ હોવાના આરોપમાં તેની પત્ની સોનમ ઉપરાંત કથિત પ્રેમી રાજ કુશવાહા અને તેના 3 મિત્રો વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની પહેલેથી જ ધરપકડ થઈ ચૂકી છે. હત્યાકાંડના પુરાવા છૂપાવવા અને મિટાવવાના આરોપમાં રિયલ એસ્ટેટ વેપારી જેમ્સ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. મેઘાલય પોલીસ મામલાની તપાસ માટે જેમ્સને મધ્ય પ્રદેશ લઈને આવી છે. રાજા રઘુવંશીનો પરિવાર ટ્રાન્સપોર્ટના વેપાર સાથે જોડાયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે