highest toll collection in india: દેશમાં તમામ હાઈવે પર જેટલા પર ટોલ પ્લાઝા છે તેના દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારે જેટલો પણ ટોલ ભેગો કર્યો હશે તેનો તમે અંદાજો લગાવી શકો છો? જવાબ છે1.93 લાખ કરોડ રૂપિયા. જી હા... સરકારે ટોલ દ્વારા આટલી કમાણી કરી છે. જો ટંકશાળ પાડતા ટોપ 10 ટોલની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં આ આ કલેક્શનનો આંકડો લગભગ 14 હજાર કરોડ રૂપિયા જેટલો છે. આ આંકડો 20 માર્ચના રોજ લોકસભામાં રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ પોતે આપ્યો હતો.
સરકારને કમાણી કરાવતો નંબર એક ટોલ પ્લાઝા
આંકડાકીય માહિતી મુજબ દેશમાં જે ટોલ પ્લાઝા સરકારને સૌથી વધુ કમાણી કરાવે છે તે છે ગુજરાતનો ભરથાણા ટોલ પ્લાઝા. ગુજરાતમાં NH-48ના વડોદરા-ભરૂચ ભાગ પર આવેલો આ ટોલ પ્લાઝાએ છેલ્લા 5 નાણાકીય વર્ષ (2019-20 થી 2023-24)માં 2,043.81 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ ભેગો કર્યો છે. એકલા 2023-24માં જ તેણે 472.65 કરોડ રૂપિયાનો સૌથી વધુ ટોલ ટેક્સ મેળવ્યો હતો.
બીજા નંબરે આ ટોલ પ્લાઝા
કમાણીમાં બીજા નંબરે રાજસ્થાનના શાહજહાંપુરનો ટોલ પ્લાઝા છે. જે NH-48ના ગુડગાંવ-કોટપુતલી-જયપુર ભાગ પર આવેલો છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આંકડાઓથી જાણવા મળે છે કે છેલ્લા પાંચ વર્ષમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા પર 1,884.46 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હતો.
ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળનો જલધુલાગોરી ટોલ પ્લાઝા આવે છે. તેણે 2019-20 થી 2023-24 દરમિયાન એટલે કે પાંચ વર્ષમાં 1,538.91 રૂપિયાનો ટોલ ટેક્સ જમા કર્યો. યુપીમાં બારાજોડ ટોલ પ્લાઝાએ 5 વર્ષમાં 1,480.75 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ ભેગો કર્યો અને યાદીમાં 4થા નંબરે છે. દેશમાં ટોપ 10 કમાઉ ટોલ પ્લાઝાની યાદી નીચે મુજબ છે.
ક્રમ | કમાણીમાં ટોપ 10 ટોલ પ્લાઝા | જમા થયેલો ટોલ ટેક્સ (રૂપિયામાં) |
1 | ભરથાણા (ગુજરાત) (NH-48) | 2043.81 કરોડ |
2 | શાહજહાંપુર (રાજસ્થાન) (NH-48) | 1884.46 કરોડ |
3 | જલધુલાગોરી (પશ્ચિમ બંગાળ (NH-16) | 1538.91 કરોડ |
4 | બરાજોડ (ઉત્તર પ્રદેશ) (NH-19) | 1480.75 કરોડ |
5 | ઘરૌન્ડા (હરિયાણા) (NH-44) | 1314.37 કરોડ |
6 | ચોર્યાસી ટોલ પ્લાઝા (ગુજરાત) (NH-48) | 1272.57 કરોડ |
7 | ઠીકરીયા/જયપુર પ્લાઝા (રાજસ્થાન) (NH-48) | 1161.19 કરોડ |
8 | L&T કૃષ્ણાગીરી થોપુર (તમિલનાડુ) (NH-44) | 1124.18 કરોડ |
9 | નવાબગંજ (ઉત્તર પ્રદેશ) (NH-25) | 1096.91 કરોડ |
10 | સાસારામ (બિહાર) (NH-2) | 1071.36 કરોડ |
જો રાજ્યવાર વાત કરીએ તો ટોપ 10 કમાઉ ટોલ પ્લાઝાની યાદીમાં બે ગુજરાતના છે, જ્યારે બે રાજસ્થાન, બે ઉત્તર પ્રદેશમાં છે. જ્યારે એક એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારમાં છે. આ ટોપ કમાઉ ટોલ પ્લાઝાએ મળીને છેલ્લા 5 વર્ષમાં 13,988.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહીં જે ખાસ ધ્યાન આપવા જેવી વાત છે એ એ છે કે આ 10 ટોલ પ્લાઝાએ મળીને દેશના કુલ ટોલ કલેક્શનના 7 ટકાથી વધુ ટોલ ભેગો કર્યો છે. સરકારના આંકડા મુજબ હાલ દેશભરમાં કુલ 1063 ટોલ પ્લાઝા છે. જેમાંથી 457 ટોલ પ્લાઝનું નિર્માણ છેલ્લા 5 વર્ષમાં થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે