વક્ફ સંશોધન બિલ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયા. આ સાથે જ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર કરેલી સંપત્તિઓ વિરુદ્ધ કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધુ છે. સરકારે તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ જાહેર કરીને 1,32,140 એવી સંપત્તિઓની ઓળખ કરીને તેમને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. જેના વક્ફ હોવા પર સવાલ ઉઠી રહ્યા છે.
રાજસ્વ રેકોર્ડમાં મોટું અંતર
રાજ્યના રાજસ્વ વિભાગના જણાવ્યાં મુજબ તેમના રેકોર્ડમાં ફક્ત 2,963 વક્ફ સંપત્તિઓ નોંધાયેલી છે. જ્યારે સુન્ની વક્ફ બોર્ડે 1,24,355 અને શિયા વક્ફ બોર્ડે 7,785 સંપત્તિઓને વક્ફ તરીકે રજિસ્ટર કરી છે. તેમાંથી પણ રાજસ્વ અભિલેખોમાં ફક્ત 2,533 સુન્ની અને 430 શિયા વક્ફ સંપત્તિઓનો જ ઉલ્લેખ છે. તેનો અર્થ એ થયો કે લગભગ 98% સંપત્તિઓના કોઈ સરકારી રેકોર્ડ ઉપલબ્ધ નથી.
સરકારી અને ગ્રામ સમાજની જમીનો પર ગેરકાયદેસર કબજાના આરોપ
સરકારનું કહેવું છે કે મોટી સંખ્યામાં ખેતરો, તળાવ, પોખર જેવી ગ્રામ સમાજ અને સરકારી સંપત્તિઓને મનમાની રીતે વક્ફ સંપત્તિ જાહેર કરી છે જે નિયમો વિરુદ્ધ છે. જ્યારે કાયદાકીય રીતે ફક્ત દાનમાં અપાયેલી સંપત્તિઓ જ વક્ફ માની શકાય છે.
આ જિલ્લાઓમાં ચાલશે અભિયાન
રાજ્ય સરકારે ખાસ કરીને બારાબંકી, સીતાપુર, બરેલી, જૌનપુર, સહારનપુર, બિજનૌર, બલરામપુર, મુઝફ્ફરનગર, બુલંદ શહેર, મુરાદાબાદ, અને રામપુર જિલ્લાઓમાં અભિયાન તેજ કરવાનો નિર્દેશ આપ્યો છે. જિલ્લાધિકારી પોત પોતાના રિપોર્ટ તૈયાર કરીને શાસનને સોપશે જેના આધારે કાર્યવાહી કરાશે.
હાઈકોર્ટમાં પણ મામલો વિચારણા હેઠળ
પીલીભીતમાં એક તળાવને વક્ફ સંપત્તિ જાહેર કરવાનો મામલો હાઈકોર્ટમાં વિચારણા હેઠળ છે. આ સંદર્ભમાં સરકારે સમગ્ર પ્રદેશમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. જેથી કરીને માહિતી મેળવી શકાય કે એવી કેટલી સંપત્તિઓ છે જેને નિયમો વિરુદ્ધ જઈને વક્ફ જાહેર કરાઈ છે.
ગેરકાયદે વક્ફ સંપત્તિઓ પર ઝીરો ટોલરન્સ
સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જે સંપત્તિઓના કોઈ કાયદેસર દસ્તાવેજ કે દાનનું પ્રમાણ નથી તેને વક્ફ માની શકાય નહીં. આવા મામલાઓમાં કડક કાર્યવાહી કરાશે અને જમીનોને રાજ્યના કબજામાં લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે