સુપ્રીમ કોર્ટમાં આજથી નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ રહી છે. કોર્ટમાં 73 અરજીઓ દાખલ થઈ છે અને એવું કહેવાય છે કે આજે 10 અરજીઓ સુનાવણી માટે લિસ્ટ કરાઈ છે. કોર્ટમાં આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારાઈ છે. અરજીઓમાં દાવો કરાયો છે કે સંશોધિત કાયદા હેઠળ વક્ફની સંપત્તિઓનું મેનેજમેન્ટ અસામાન્ય ઢબે કરાશે અને આ કાયદો મુસલમાનોના મૌલિક અધિકારોનો ભંગ કરે છે.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી બપોરે 2 વાગે શિડ્યુલ છે જ્યાં અરજીઓ પર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજયકુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સંશોધન કર્યું હતું જે અગાઉ બિલ તરીકે સંસદના બંને ગૃહોમાં રજૂ થયું હતું અને પાસ થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા કાયદા તરીકે અમલમાં આવી ગયું. આ કાયદા અંગે અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શનો પણ થયા અને બંગાળમાં તો વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું.
વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓમાં અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને અરજીઓમાં કેટલાક પોઈન્ટ્સ પર ભાર મૂકાયો છે. અરજીકર્તાઓનું કહેવું છે કે સંશોધન હેઠળ વક્ફ બોર્ડોના ચૂંટણી માળખાને ખતમ કરાયું છે. નવા સંશોધન હેઠળ હવે બિન મુસ્લિમને વક્ફ બોર્ડોમાં નિયુક્ત કરી શકાશે જેનાથી દાવો છે કે મુસ્લિમ સમુદાયના આત્મ શાસન અને તેમની ધાર્મિક સંપત્તિઓનું મેનેજમેન્ટ પ્રભાવિત થઈ શકે છે.
અધિનિયમ હેઠળ કાર્યકારી અધિકારીઓને વક્ફ સંપત્તિઓ પર વધુ નિયંત્રણ મળશે. જેનાથી એવી આશંકા જતાવવામાં આવી છે કે ભવિષ્યમાં સરકાર દ્વારા વક્ફ સંપત્તિઓ પર મનમાની આદેશ આપી શકાય છે અને તેમને પોતાના હાથમાં લઈ શકે છે.
અરજીકર્તાઓનો તર્ક છે કે અધિનિયમમાં અનુસૂચિત જનજાતિના સભ્યોને વક્ફ બનાવતા રોકવામાં આવ્યા છે જેનાથી તેમના મૌલિક અધિકાર પ્રભાવિત થશે. અધિનિયમમાં વક્ફની વ્યાખ્યામાં ફેરફાર કરાયો છે જેનાથી વક્ફ બાય યૂઝર્સની ન્યાયિક પરંપરાને હટાવવામાં આવી છે. તેનાથી વક્ફના સંરક્ષણ માટે બનાવવામાં આવેલા નિયમ નબળા થઈ શકે છે.
અરજીઓમાં દાવો કરાયો છે કે અનેક મામલાઓમાં ડર છે કે નવા નિયમોના કારણે સદીઓ જૂની વક્ફ સંપત્તિઓ જે મૌખિક કે અનૌપચારિક રીતે સ્થાપિત કરાઈ હતી તે ગુમાવવાનો વારો આવી શકે છે. અરજીકર્તાઓએ એવો આરોપ લગાવ્યો છે કે આ કાયદો મુસ્લિમ સમુદાયના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક અધિકારોને નબળા કરવાની કોશિશ છે.
કોણે ફેંક્યો છે પડકાર
વક્ફ કાયદામાં કરાયેલા સંશોધન વિરુદ્ધ દેશભરમાં અનેક રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મુખ્ય અરજીકર્તાઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ, YSRCP સહિત અનેક પક્ષો સામેલ છે. આ સાથે જ અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે, આરજેડી, જેડીયુ, AIMIM અને આપ જેવા દળોના પ્રતિનિધિ પણ સામેલ છે.
આ ઉપરાંત બે હિન્દુ પક્ષો દ્વારા પણ અરજી કરાઈ છે. વકીલ હરિ શંકર જૈને એક અરજી દાખલ કરી છે જેમાં દાવો કરાયો છે કે અધિનિયમની કેટલીક કલમોથી ગેરકાયદેસર રીતે સરકારી સંપત્તિઓ અને હિન્દુ ધાર્મિક સ્થળો પર કબજો થઈ શકે છે. નોઈડામાં રહેતી પારુલ ખેરાએ પણ એક અરજી દાખલ કરી છે જેમા તેમણે પણ આ પ્રકારના તર્ક આપ્યા છે.
ધાર્મિક સંગઠનોમાં સામસ્થ કેરળ જમીયથુલ ઉલમા, અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, અને જમીયત ઉલમા એ હિન્દ જેવા સંગઠનોએ પણ કાયદા વિરુદ્ધ અરજીઓ દાખલ કરી છે. જમીયત ઉલમા એ હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદાનીનું પણ આ મામલે મહત્વનું યોગદાન છે.
અરજીકર્તાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર
જ્યાં અરજીકર્તાઓ આ કાયદાની વિરુદ્ધમાં છે. ત્યાં કેન્દ્ર સરકાર તેને પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે જ રૂરી ગણાવે છે. સરકારનું કહેવું છે કે વક્ફ સંપત્તિઓના મેનેજમન્ટમાં સુધાર અને ભ્રષ્ટાચારની સંભાવનાને ઓછી કરવા માટે આ સંસોધન મહત્વનું છે. તેનાથી પ્રશાસનમાં સુધારો આવશે અને વક્ફ સંપત્તિઓનું યોગ્ય રીતે મેનેજમેન્ટ થઈ શકશે.
આ ઉપરાંત સાત રાજ્યોએ પણ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાના પક્ષમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. આ રાજ્યોનો તર્ક છે કે આ અધિનિયમ બંધારણ પ્રમાણે છે અને તે ભેદભાવપૂર્ણ નથી તથા સારા પ્રશાસનિક વહીવટ માટે જરૂરી છે.
કેન્દર્ સરકારે કોર્ટમાં એક કેવિએટ પણ દાખલ કરી છે. કેવિએટ એક પ્રકારની કાનૂની નોટિસ હોય છે જેના દાખલ કરવાથી એ સુનિશ્ચિત થાય છે કે જો કોઈ આદેશ પસાર કરવામાં આવે તો તેમનો પક્ષ સાંભળવામાં આવે. એટલે કે તેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર કાયદામાં કરાયેલા સંશોધન અંગે મજબૂતીથી અડીખમ છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે