ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં જ પૂરો થઈ ગયો હતો પરંતુ તેમનો કાર્યકાળ પછી જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો. પરંતુ હજુ સુધી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નથી. એવી ચર્ચા છે કે અધ્યક્ષ પદની રેસમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને વરિષ્ઠ નેતા વિનોદ તાવડે પણ સામેલ છે. પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવી સંભાવના જતાવવામાં આવી છે કે ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં સૂત્રોના હવાલે દાવો કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ સંઘનું પણ મહિલા અધ્યક્ષને લઈને સકારાત્ક સ્ટેન્ડ છે. સંગઠનના નેતૃત્વનું માનવું છે કે તેનાથી વ્યૂહાત્મક રીતે ફાયદો થશે. મહિલા મતદારો ભાજપ પ્રત્યે વધુ વળશે. કયા 3 મહિલા નેતાઓના આ રેસમાં નામ છે તે જાણો.
દગ્ગુબાતી પુરંદેશ્વરી
ડી પુરંદેશ્વરી આંધ્ર પ્રદેશના ભાજપ અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે. 2014માં તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. પુરંદેશ્વરી સારા વક્તા છે આથી તેઓ દક્ષિણના સુષમા સ્વરાજ પણ કહેવાય છે. તેઓ પાંચ ભાષાઓ તેલુગુ, હિન્દી, તમિલ, અંગ્રેજી અને ફ્રેન્ચ બોલી શકે છે. તેઓ દક્ષિણ ભારતમાં ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
વનથી શ્રીનિવાસન
વનથી શ્રીનિવાસન તમિલનાડુના કોયંબતૂર સાઉથ સીટથી ધારાસભ્ય છે. તેમણે 1993માં ભાજપની સદસ્યતા લીધી હતી. તેઓ રાજ્યમાં સચિવ, મહાસચિવ અને ઉપાધ્યક્ષ જેવા મહત્વપૂર્ણ પદ સંભાળી ચૂકયા છે. વકીલ રહી ચૂકેલા વનથી 2020માં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
નિર્મલા સીતારમણ
આ રેસમાં નિર્મલા સીતારમણનું નામ સૌથી આગળ હોવાનું કહેવાય છે. નાણામંત્રી સીતારમણ દેશના રાજકારણમાં પણ મોટો ચહેરો બની ચૂક્યા છે. હાલમાં જ તેમણે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા અને મહાસચિવ બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે