Seema Haider: પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. પ્રથમ પગલા તરીકે, સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સરકારે સાર્ક હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલી તમામ વિઝા મુક્તિ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કડક નિર્ણય બાદ પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલો ઉઠી રહ્યા છે કે શું સીમા હૈદરને પણ પાકિસ્તાન પરત જવું પડશે? શું સચિન અને સીમાની લવ સ્ટોરીનો અંત આવવાનો સમય આવી ગયો છે?
ભારતીય નાગરિક સચિન મીનાના પ્રેમમાં પડેલી સીમા હૈદર દુબઈ અને નેપાળ થઈને ભારત આવી હતી અને લગ્ન કરીને અહીં જ સ્થાયી થઈ ગઈ હતી. તે સમયે સીમા હૈદરને લઈને ઘણો હોબાળો થયો હતો. આખરે, તપાસ પછી, જ્યારે જાસૂસીના કોઈ પુરાવા ન મળ્યા, ત્યારે સીમાને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણય બાદ પાકિસ્તાની ભાભીના નામથી પ્રખ્યાત સીમા ફરી ચર્ચામાં છે.
સીમા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને હવે તે ગ્રેટર નોઈડાના રબુપુરામાં ભારતીય યુવક સચિન મીનાની પત્ની તરીકે રહે છે. સીમા હૈદર નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. ભારત આવ્યા બાદ સીમાએ સચિન મીના સાથે લગ્ન કર્યા. બંનેની મુલાકાત PUBG ગેમ દ્વારા થઈ હતી અને ધીરે ધીરે આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો. સીમા હવે સચિન સાથે રહે છે અને તેમને એક બાળક છે, જેનો જન્મ ભારતમાં થયો હતો.
આ પણ વાંચોઃ મોદીની પહેલા બોલે સિક્સર! જવાબી કાર્યવાહીની પાકિસ્તાન પર શું પડશે અસર...ખાસ જાણો
શું સીમા હૈદરે ભારત છોડવું પડશે?
નિષ્ણાંતો પ્રમાણે મામલો જટિલ છે. પ્રથમ વાત સરકારે તે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ કર્યાં છે, જે કાયદેસર રીતે ભારતમાં છે, જ્યારે સીમા હૈદર વિઝા વગર ગેરકાયદેસર ભારતમાં આવી હતી. તેથી આ આદેશ સીધી રીતે તેના પર લાગૂ થતો નથી. બીજી વાત સીમા હવે ભારતીય નાગરિકની પત્ની છે અને તેના બાળકનો જન્મ ભારતમાં થયો છે. તેથી માનવીય અને કાયદાકીય પાસાં આ મામલામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સીમાની નાગરિકતા અને ભારતમાં તેના ગેરકાયદેસર પ્રવેશનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.
સીમા હૈદરના વકીલ એપી સિંહે જણાવ્યું કે સીમાએ એક બાળકીને જન્મ આપ્યો છે, જે અત્યારે હોસ્પિટલમાં છે. તેણે કહ્યું કે મર્શી પિટિશન દાખલ કરવામાં આવી છે અને ભારત સરકારના સંપર્કમાં છે. તેમનું કહેવું છે કે સીમા હવે ભારતની પુત્રવધૂ છે અને તેની નાગરિકતાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખી આ મામલો વધુ સંવેદનશીલ થઈ ગયો છે.
સુરક્ષા એજન્સીઓ પહેલાથી સીમાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. અંતિમ નિર્ણય કોર્ટના ચુકાદા અને ભારત સરકારની નીતિ પર નિર્ભર કરશે. હાલમાં કેન્દ્ર સરકાર તરફથી સીમા હૈદરના મામલામાં કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં આ મામલો ચર્ચામાં આવી શકે છે અને તેની દિશા કોર્ટનો ચુકાદો નક્કી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે