દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોડ્સના ઐતિહાસિક મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે WTC 2025ની ફાઈનલ રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે બોલર્સનો કહેર જોવા મળ્યો. બંને ટીમોએ મળીને કુલ 255 રન કર્યા અને 14 વિકેટ પડી. કગિસો રબાડા, માર્કો યેનસન અને મિચેલ સ્ટાર્ક છવાયેલા રહ્યા. આ દરમિયાન અનેક રેકોર્ડ્સ બન્યા પરંતુ આ દરમિયાન એક ખુબ જ વિચિત્ર ઘટના જોવા મળી જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થયા. ઈંગ્લેન્ડની જમીન પર 145 વર્ષ અને 561 ટેસ્ટ મેચોમાં આવું પહેલીવાર જોવા મળ્યું.
વાત જાણે એમ છે કે WTC ફાઈનલમાં બંને ટીમોના નંબર 1 બેટર એટલે કે ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા અને દક્ષિણ આફ્રીકાના એડન મારક્રમ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગા થયા. ઈંગ્લેન્ડની જમીન પર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું જ્યારે બંને ટીમોના પ્રથમ બેટર ખાતું જ ન ખોલાવી શક્યા.
ઉસ્માન ખ્વાજાએ 20 બોલમાં કોઈ પણ રન ન કર્યા અને કગિસો રબાડાની બોલિંગમાં આઉટ થયો. જ્યારે એડન મારક્રમ ઈનિંગની પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો.
મેચની વાત કરીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 212 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. કગિસો રબાડાની ઘાતક બોલિંગ આગળ કાંગારુઓ ઘૂંટણીયે પડ્યા. રબાડાએ 15.4 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી.
રબાડા બાદ ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક પણ ચમક્યો. પ્રથમ દિવસનો ખેલ પૂરો થયો ત્યારે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રીકાની 4 વિકેટ ઝડપી લીધી હતી અને સ્કોર માત્ર 43 રન હતો. સ્ટાર્કે બે વિકેટ જ્યારે કમિન્સ અને હેઝલવુડે 1-1 વિકેટ લીધી. દક્ષિણ આફ્રીકા હજુ પણ 169 રન પાછળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે