Champions Trophy 2025: અફગાનિસ્તાન સામે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ ઓસ્ટ્રેલિયાનો બેસ્ટમેન મેથ્યૂ શોર્ટ ભારત અથવા ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાયનલમાં બહાર થઈ શકે છે. મેથ્યૂ શોર્ટએ વરસાદના કારણે રદ થયેલા મેચમાં 15 બોલમાં 20 રન બનાવ્યા હતા, જ્યારે બાદ તેને અજમતુલ્લાહ ઉમરજાઈએ પવેલિયનમાં મોકલી દીધો હતો.
વિસ્ફોટક બેટ્સમેન ઈજાના કારણે થશે બહાર!
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે, 'મને લાગે છે કે તે (મેથ્યુ શોર્ટ) સંપૂર્ણપણે ફિટ નથી. અમે જોયું કે તે બરાબર હલનચલન કરી શકતો ન હતો. તેના માટે આગામી મેચમાં સ્વસ્થ થવું મુશ્કેલ હશે.' ઓસ્ટ્રેલિયન ટીમ આક્રમક બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કને મેદાનમાં ઉતારી શકે છે. જો કે, તે શ્રીલંકા સામેની તાજેતરની બે વનડે સિરીઝમાં નિષ્ફળ રહ્યો હતો.
એરોન હાર્ડી પણ એક વિકલ્પ હોઈ શકે છે
ઓલરાઉન્ડર એરોન હાર્ડી પણ વિકલ્પ હોય શકે છે. મંગળવારે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો દુબઈમાં ભારત સામે અથવા બુધવારે લાહોરમાં ન્યુઝીલેન્ડનો સામનો થઈ શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ગ્રુપ મેચ બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગ્રુપ બીની મહત્વપૂર્ણ મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ કાંગારુઓએ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રોકવી પડી હતી. 274 રનના ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા હતા. ગ્રાઉન્ડસમેનના તમામ પ્રયાસો છતાં ઘણી જગ્યાએ પિચ પર પાણી ભરાઈ ગયું હતું, જેને જોઈને અમ્પાયરોએ નિરીક્ષણ કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ પૂર્ણ થવાના કટઓફ સમયના એક કલાક પહેલા વરસાદ પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ચાર પોઈન્ટ લઈને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે