સોચીઃ ફુટબોલ વિશ્વ કપના ગ્રુપ-જીની મેચમાં ફીફા રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી બેલ્જિયમે પનામાને એકતરફા મેચમાં 3-0થી હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. આ ત્રણેય ગોલ બીજા હાફમાં આવ્યા હતા. પનામાની ટીમ પ્રથમ હાફમાં સ્ટાર ખેલાડીઓથી ભરેલી બેલ્જિયમ ટીમને રોકવામાં સફળ રહી. વિજેતા બેલ્જિયમ માટે પ્રથમ ગોલ ડ્રાઇસ મર્ટેસે કર્યો, જ્યારે બાકીના બંન્ને ગોલ રોમેલુ લુકાકુએ કર્યા.
મેચની શરૂઆતમાં બંન્ને ટીમો વચ્ચે બોલ માટે ખૂબ સંઘર્ષ જોવા મળ્યો. બેલ્જિયમના ખેલાડીઓને ગોલ કરવાના ઘણા અવસર મળ્યા, પરંતુ ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી. મેચનો પ્રથમ ગોલ ડ્રાઇસ મર્ટેસે કર્યો. આ ગોલ 47મી મિનિટમાં કરવામાં આવ્યો હતો. આ ગોલની મદદથી બેલ્જિયમે મેચમાં 1-0ની લીડ મેળવી હતી.
ત્યારબાદ ફોર્મમાં આવેલા લુકાકુએ 69મી મિનિટ અને 75મી મિનિટે ગોલ કરીને લીડ 3-0ની કરી દીધી. પરંતુ મેચ પૂર્ણ થતા પહેલા બેલ્જિયમને કોર્નર મળ્યો જ્યારે પનામાને ફ્રી કિક, પરંતુ બંન્ને ટીમ ગોલ ફટકારવામાં અસફળ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે