Home> Sports
Advertisement
Prev
Next

ENG vs IND: ભારતની રોમાંચક જીતના 5 હીરો, આ ખેલાડીઓના દમ પર શ્રેણી સરભર

ENG vs IND, test: ભારતીય ટીમે યુવા કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ જીતી સિરીઝ 2-2થી બરોબર કરવામાં સફળતા મેળવી છે. ભારતની આ જીતમાં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

 ENG vs IND: ભારતની રોમાંચક જીતના 5 હીરો, આ ખેલાડીઓના દમ પર શ્રેણી સરભર

લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતે ઈંગ્લેન્ડને 6 રને પરાજય આપી સિરીઝ 2-2થી બરોબર કરી લીધી છે. પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની જીતની આશા પ્રબળ હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી ભારતને રોમાંચક મેચમાં છ રને જીત અપાવી છે. ભારત આ સાથે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી બરોબર કરવામાં સફળ રહ્યું છે. ત્યારે અમે તમને ભારતની જીતના પાંચ હીરો વિશે જણાવીશું.

fallbacks

1. મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડ સામે પાંચેય ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ રમ્યો છે. સિરાજે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવા સાથે સૌથી વધુ બોલિંગ પણ કરી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સીનિયર બોલર તરીકે સિરાજ પર સૌથી વધુ જવાબદારી હતી. સિરાજે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. સિરાજે ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ લઈ ભારતને શાનદાર જીત અપાવી છે.

2. પ્રસિદ્ધ કૃષ્ણા
ભારતની જીતનો બીજો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યો. પ્રસિદ્ધે સિરાજ સાથે મળી શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ ચોથા દિવસે ટી-બ્રેક બાદ કમાલની બોલિંગ કરી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ ઈનિંગમાં 62 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પ્રસિદ્ધે 27 ઓવર ફેંકી અને ચાર સફળતા મેળવી હતી. મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી.

3. યશસ્વી જાયસવાલ
ભારતની જીતનો ત્રીજો હીરો યશસ્વી જાયસવાલ રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 2 રન બનાવી આઉટ થનાર યશસ્વીએ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ 164 બોલમાં 14 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 118 રન બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. 

4. કરૂણ નાયર
પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે એક બાદ એક વિકેટ ગુમાવી હતી. ત્યારે કરૂણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ અડધી સદી ફટકારી હતી. કરૂણ નાયરે 109 બોલમાં 8 ચોગ્ગા સાથે 57 રન બનાવી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

5. આકાશ દીપ
ભારતને જીત અપાવવામાં આકાશ દીપની પણ મહત્વની ભૂમિકા રહી છે. આ વખતે આકાશ દીપે બોલ નહીં પરંતુ બેટથી કમાલ કર્યો હતો. ભારત બીજી ઈનિંગમાં મુશ્કેલીમાં હતું, ત્યારે આકાશ દીપને નાઇટ વોચમેન તરીકે મોકલવામાં આવ્યો હતો. આકાશ દીપે ચોથા ક્રમે બેટિંગ કરતા 12 ચોગ્ગા સાથે 66 રન ફટકાર્યા હતા. તેણે યશસ્વી સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. આ સાથે મેચમાં આકાશ દીપે બે વિકેટ પણ લીધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More