IND vs NZ Final Dubai Pitch Report : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ આજે 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે આ ટાઈટલ ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં બીજી વખત ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ફાઇનલમાં સામસામે આવી રહી છે. અગાઉ આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંને ટીમો વર્ષ 2000માં ટકરાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે તે હારનો બદલો લેવા માટે તૈયાર છે.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેની તમામ મેચો દુબઈમાં રમી છે અને તેથી તે અહીંની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ હશે. ન્યૂઝીલેન્ડે પણ અહીં મેચ રમી છે અને તેઓ પણ આ પીચને સારી રીતે જાણે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ પહેલા દુબઈની પિચની હાલત કેવી છે તેના વિશે જાણીશું.
25 વર્ષ જૂનો બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયાના આ 11 ધૂરંધર ! આવી હશે ફાઇનલમાં પ્લેઇંગ-11
દુબઈ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવે છે. બેટ્સમેનોને અહીં ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ભારત સિવાય ટૂર્નામેન્ટમાં અહીં બીજી 4 ટીમો રમી છે અને ચારમાંથી માત્ર ભારતે અહીં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની એ જ પિચ પર રમાશે કે જેના પર પાકિસ્તાન સામેની મેચ યોજાઈ હતી અને ભારતીય સ્પિનરોએ તોફાન મચાવ્યું હતું.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ સપાટ છે, પરંતુ અત્યાર સુધી અહીં વધુ રન નથી બન્યા. આ પીચ પર શરૂઆતમાં ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ હોય છે અને પછી સ્પિનરોનું વર્ચસ્વ હોય છે. ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ મેચમાં દર વખતની જેમ ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળી શકે છે. પરંતુ બોલ જૂના થયા પછી જ સ્પિનરો દુબઈમાં પોતાનો જાદુ બતાવવાનું શરૂ કરે છે. અહીં ટોસ જીતનારી ટીમ ઘણીવાર પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લે છે.
રોહિત શર્માની નિવૃત્તિ અંગે મોટું અપડેટ, વાઇસ કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દુબઈમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે અને ચારેય મેચોમાં સ્પિનરોએ તોફાન મચાવ્યું છે. આ ચાર મેચમાં સ્પિનરોએ અત્યાર સુધીમાં કુલ 30 વિકેટ ઝડપી છે. વરુણ ચક્રવર્તી અત્યાર સુધી આ મેદાન પર ઘણો ઘાતક રહ્યો છે. તો ઝડપી બોલર મોહમ્મદ શમીને પણ દુબઈની પીચથી ઘણી મદદ મળી છે.
દુબઈની પિચ પર ભારતના આંકડા
ટીમ ઈન્ડિયાએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમી છે, જેમાંથી તેણે 9 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. એટલે કે ભારત આ મેદાન પર અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. તો ન્યુઝીલેન્ડ આ પીચ પર અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમ્યું છે, જેમાંથી તેને બેમાં હાર મળી છે, જ્યારે એકમાં જીત મેળવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે