Ind vs Pak Semi Final, WCL 2025 : યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઈન્ડિયા ચેમ્પિયન્સ ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો સામનો પાકિસ્તાન સામે છે. આ મેચ 31 જુલાઈએ થવાની છે, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મેચ અંગે એક મોટો પ્રશ્ન છે કે શું આ સેમિફાઇનલ રમાશે ? ચાહકોના મનમાં આ પ્રશ્ન પણ હશે કે જો ભારત મેચનો બહિષ્કાર કરે છે, તો કોણ ફાઇનલમાં જશે.
આ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચી
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025ના લીગ તબક્કાની રોમાંચક મેચો પૂર્ણ થયા પછી હવે સેમિફાઇનલની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. આ ટીમો પાકિસ્તાન ચેમ્પિયન, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, ભારત ચેમ્પિયન છે. પ્રથમ સેમિફાઇનલમાં, પાકિસ્તાન ચેમ્પિયન્સ ભારત ચેમ્પિયન્સ સામે ટકરાશે. આ મેચ 31 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. તો બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વચ્ચે રમાશે. આ મેચ પણ 31 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે.
ભારત-પાકિસ્તાન સેમિફાઇનલ રમાશે ?
આ મેચ થવાની શક્યતા લગભગ નહિવત છે. તમને જણાવી દઈએ કે લીગ સ્ટેજમાં પણ બંને ટીમો સામસામે હતી, પરંતુ ટીમ ઇન્ડિયાના કેટલાક મોટા ખેલાડીઓએ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો. શિખર ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. ભારતના પીછેહઠ પછી, આયોજકોએ સત્તાવાર રીતે મેચ રદ કરવાનો નિર્ણય લીધો, જેના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ મળ્યો. હવે ફરી એકવાર ભારત-પાકિસ્તાન ટીમો સામસામે છે, પરંતુ આવું થવાની કોઈ શક્યતા દેખાતી નથી.
રવિન્દ્ર જાડેજાનું રેકોર્ડ બુકમાં નોંધાશે નામ, વિશ્વનો માત્ર ચોથો ખેલાડી બનશે
જો ભારત બહિષ્કાર કરે તો શું થશે ?
ચાહકોના મનમાં પ્રશ્ન એ હશે કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે આ સેમિફાઈનલ રમવાનો બહિષ્કાર કરે છે, તો ફાઇનલમાં કોણ પહોંચશે. લીગ સ્ટેજ પછી પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો ભારત આ મેચ નહીં રમે, તો તેનો અર્થ એ કે મેચ રદ થઈ જશે, જેનો ફાયદો પાકિસ્તાનને થશે અને તેને ફાઇનલમાં સીધો પ્રવેશ મળશે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમ આ વખતે શું નિર્ણય લે છે અને ટુર્નામેન્ટના આયોજકો આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે.
ભારત પાકિસ્તાન સાથે કેમ નથી રમી રહ્યું ?
પાકિસ્તાન સાથે ક્રિકેટનો બહિષ્કાર કરવાનું મુખ્ય કારણ એપ્રિલ 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલો છે, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતે આ હુમલાનો જવાબ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આપ્યો હતો, જેમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો હતો. ઘણા ભારતીય ક્રિકેટ દિગ્ગજોએ પાકિસ્તાન સામે ન રમવાની જાહેરાત કરી હતી. ભારતીય લોકો અને ક્રિકેટ ચાહકો પણ આ મેચનો ભારે વિરોધ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે