IPL Temporary replacements Rule 2025 : IPL 2025 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે લીગ સ્થગિત કરવામાં આવી હતી. નવી તારીખોને કારણે કેટલાક ખેલાડીઓના શેડ્યૂલ ખોરવાયા છે. મોટાભાગના વિદેશી ખેલાડીઓ ભારત પાછા ફર્યા છે, પરંતુ કેટલાકે ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આમાં દિલ્હી કેપિટલ્સના જેક ફ્રેઝર-મેકગર્ક અને ચેન્નાઈ સુપર કિંગ્સના જેમી ઓવરટનનો સમાવેશ થાય છે.
IPLમાં રિપ્લેસમેન્ટ અંગે નવો નિયમ
અત્યાર સુધીના નિયમો અનુસાર, ટીમો ફક્ત કોઈ ખેલાડીની માંદગી કે ઈજાના કિસ્સામાં જ રિપ્લેસમેન્ટ કરી શકતી હતી, તે પણ સીઝનની 12મી મેચ સુધી, પરંતુ હવે લીગે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેથી ટીમો બાકીની આખી સીઝન માટે ટેમ્પરરી રિપ્લેસમેન્ટ દ્વારા ખેલાડીઓ મેળવી શકે. તો IPL એ પણ સ્પષ્ટ કર્યું છે કે લીગ પત્યા પછી ટેમ્પરરી રૂપે ટીમોમાં જોડાતા ખેલાડીઓને રિટેન કરી શકાશે નહીં. આઇપીએલમાં આ નિયમ એટલા માટે દાખલ કરવામાં આવ્યો છે કે ફ્રેન્ચાઇઝી ટીમો હરાજી પ્રક્રિયાથી બચવા માટે જાણી જોઈને ટેમ્પરરી ખેલાડીઓ પર હસ્તાક્ષર ન કરે.
આ ખેલાડીઓને કરી શકાશે રિટેન
IPLએ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી કે તેઓએ રિપ્લેસમેન્ટ સંબંધિત નિયમોની ફરીથી સમીક્ષા કરી છે. લીગે જણાવ્યું હતું કે જો કોઈ વિદેશી ખેલાડી રાષ્ટ્રીય જવાબદારીઓ, વ્યક્તિગત કારણોસર અથવા ઈજા કે બીમારીને કારણે ઉપલબ્ધ ન હોય, તો ટીમો ટુર્નામેન્ટની બાકીની મેચો માટે ટેમ્પરરી રિપ્લેસમેન્ટ કરી શકે છે.
IPLએ પણ સ્પષ્ટતા કરી છે કે ટૂર્નામેન્ટ સ્થગિત થઈ તે પહેલા રિપ્લેસમેન્ટ કરાયેલ ખેલાડીઓને આગામી સિઝન માટે રિટેન કરી શકાશે. IPL સ્થગિત થયાના 48 કલાક પહેલા ચાર ખેલાડીઓ સાથે કરાર કરવામાં આવ્યા હતા. આમાં સિદિકુલ્લાહ અટલ (દિલ્હી કેપિટલ્સ), મયંક અગ્રવાલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), લુઆન-ડ્રે પ્રિટોરિયસ અને નાંદ્રે બર્ગર (બંને રાજસ્થાન રોયલ્સ)નો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે