IPL 2025 playoffs scenario: આઈપીએલની 18મી સીઝન ચાલી રહી છે. અત્યાર સુધી કુલ 39 મેચ રમાઈ છે. સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટલ્સને છોડીને દરેક ટીમોએ 8-8 મેચ રમી લીધી છે. ટોપ 4માંથી 3 ટીમ એવી છે, જેણે અત્યાર સુધી કોઈ આઈપીએલ ટ્રોફી જીતી નથી, જ્યારે 5-5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. હવે દરેક મેચ મહત્વપૂર્ણ છે, જાણો વર્તમાન પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયા સ્થાને છે અને પ્લેઓફમાં પહોંચવા માટે શું કરવાનું છે.
ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચવાની નજીક
આઈપીએલની 39મી મેચમાં ગુજરાત ટાઈટન્સે 39 રને જીત મેળવી પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ સરળ બનાવી લીધો છે. પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ગુજરાતના 12 પોઈન્ટ થઈ ગયા છે. શુભમન ગિલની ટીમ ટેબલમાં ટોપ પર છે. હવે તેની છ મેચ બાકી છે, જેમાં તેણે ત્રણ મેચ જીતી જાય તો તેણે કોઈ ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે નહીં.
ટોપ 4માં માત્ર ગુજરાત જ છે, જેણે આઈપીએલ ટાઈટલ જીત્યું છે. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા સ્થાન પર ક્રમશઃ દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ છે. ત્રણેય ટીમ પોતાની પ્રથમ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીએ 7 મેચ રમી છે અને પાંચ જીત મેળવી છે. આરબીસી અને પંજાબે આઠ-આઠ મેચ રમી અને પાંચ-પાંચ જીત મેળવી છે. આ ટીમો જો હવે ચાર મેચ જીતે તો તેની પ્લેઓફમાં એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો ત્રણ મેચ જીતે તો પણ તેના માટે રસ્તો બંધ થશે નહીં પરંતુ ટક્કર વધી જશે.
મુંબઈ ઈન્ડિયન્સની સારી વાપસી
લખનઉ 8 મેચમાં પાંચ જીત સાથએ પાંચમાં સ્થાને છે. તેણે હજુ ચાર મેચ જીતવી પડશે સાથે પોતાની નેટ રનરેટ સુધારવી પડશે. તો હાર્દિક પંડ્યાની ટીમ શરૂઆતી હાર બાદ હવે વાપસી કરી રહી છે. મુંબઈએ અત્યાર સુધી 8 મેચ રમી છે અને ચાર જીત મેળવી છે. હવે તેણે બાકીની છ મેચમાં ઓછામાં ઓછી 5 મેચ જીતવી પડશે.
આ પણ વાંચોઃ અસંભવ ! W, W, W, W, W...એક ઓવરમાં 5 વિકેટ, ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક
બહાર થવાની નજીક પહોંચી CSK
ચેન્નઈ સુપર કિંગ્સે 8 મેચમાં માત્ર 2 જીત મેળવી છે અને તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો છે. ચેન્નઈની 6 મેચ બાકી છે અને તે બધી મેચ જીતે તો પણ માત્ર 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તેવામાં તેણે અન્ય ટીમના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ સાત મેચમાં માત્ર બે જીત મેળવી છે. તે પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે. કોલકત્તાએ 8 મેચ રમી છે અને માત્ર ત્રણ જીત મેળવી છે. કોલકત્તાની ટીમ 6 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. કોલકત્તાએ પણ પ્લેઓફની આશા જીવંત રાખવા પોતાની બાકીની બધી મેચ જીતવી પડશે.
ઓરેન્જ કેપ હોલ્ડર
અત્યારે ઓરેન્જ કેપ સાઈ સુદર્શન પાસે છે. ગુજરાત ટાઈટન્સના આ બેટરે 8 મેચમાં 52.12ની એવરેજથી 417 રન બનાવ્યા છે. બીજા સ્થાન પર લખનઉનો નિકોલસ પૂરન (368 રન) છે.
પર્પલ કેપ હોલ્ડર
પર્પલ કેપ પણ ગુજરાત ટાઈટન્સના બોલર પાસે છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 મેચમાં 16 વિકેટ લીધી છે. બીજા સ્થાને દિલ્હી કેપિટલ્સનો બોલર કુલદીપ યાદવ (12 વિકેટ) છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે