દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 ટુર્નામેન્ટ જીતી. દક્ષિણ આફ્રિકાની ટીમે 2 ઓગસ્ટના રોજ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ફાઇનલમાં 9 વિકેટથી વિજય મેળવ્યો. દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેમણે માત્ર 16.5 ઓવરમાં જ મેળવી લીધો.
દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સની ટાઇટલ જીતનો હીરો અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સ હતો. એબી ડી વિલિયર્સે 60 બોલમાં અણનમ 120 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ડી વિલિયર્સને 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો.
ફાઇનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સની હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક મોટો નિર્ણય લીધો છે. PCBએ હવે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાની ટીમને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. બોર્ડનું કહેવું છે કે ટુર્નામેન્ટ આયોજકોનું વલણ પક્ષપાતી અને બેવડા ધોરણોનું હતું, ખાસ કરીને ઈન્ડિયા ચેમ્પિયન્સ સેમિફાઈનલમાંથી ખસી ગયા પછી WCLએ જે રીતે પ્રતિક્રિયા આપી હતી.
બોર્ડ દ્વારા બીજું શું કહેવામાં આવ્યું ?
બોર્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "PCB એ મોહસીન નકવીની અધ્યક્ષતામાં તેની 79મી ગવર્નિંગ બોર્ડની બેઠકમાં WCLના નિંદનીય કાર્યની સમીક્ષા કરી. ટુર્નામેન્ટમાંથી જાણી જોઈને ખસી જનારી ટીમને પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જે રમતની ભાવના અને ન્યાયીપણાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હતું.
તમને જણાવી દઈએ કે WCLમાં વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈન્ડિયા લેજેન્ડ્સે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર પાકિસ્તાન સામે લીગ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ સેમિફાઈનલમાં પણ એકબીજાનો સામનો કરવાના હતા, પરંતુ ભારતીય ટીમે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. આ કારણે, પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ.
બોર્ડના ઘણા સભ્યો PCBની વર્ચ્યુઅલ રીતે ગોઠવાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. તેમાં સુમૈર અહેમદ સૈયદ, સલમાન નસીર, ઝહીર અબ્બાસ, ઝાહિદ અખ્તર જમાન, સજ્જાદ અલી ખોખર, ઝફરુલ્લા જદગલ, તનવીર અહેમદ, તારિક સરવર, મોહમ્મદ ઈસ્માઈલ કુરેશી, અનવર અહેમદ ખાન, અદનાન મલિક, ઉસ્માન વહાલા અને મીર હસન નકવીના નામ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે