ઈસ્લામાબાદ: લેફ્ટેનન્ટ જનરલ ફૈઝ હમીદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નવા પ્રમુખ હશે. જનરલ આસિમ મુનીરની જગ્યાએ તેમની નિમણૂંક થઈ છે. કટ્ટર ગણાતા ફૈઝ હમીદની પસંદગી ચોંકાવનારો નિર્ણય છે. ખાસ કરીને આસિમ મુનીરે તો હજુ પદ સંભાળ્યાને 8 મહિના જ થયા હતાં. સામાન્ય રીતે આઈએસઆઈના ચીફનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે.
અગાઉ પણ આઈએસઆઈમાં કામ કરી ચૂકેલા ફૈઝ હમીનદને એજન્સીના ડાઈરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરાયા છે. પાકિસ્તાની સેનાની પ્રેસ વિંગે નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. પરંતુ કાર્યકાળ પૂરો થયા પહેલા જ મુનિરને કેમ હટાવ્યાં તેનું કારણ જણાવ્યું નહીં. પાકિસ્તાનના નિર્માણને 72 વર્ષથી વધુ વીતી ગયા પરંતુ અડધો સમય તો પાકિસ્તાનમાં સેનાનું જ શાસન રહ્યું છે.
જુઓ LIVE TV
આવામાં સેના સાથે જોડાયેલા કટ્ટરપંથી વિચારધારાના ફૈઝ હમીદને આઈએસઆઈના ચીફ બનાવવાથી સ્પષ્ટ થાય છે કે તેમની પક્કડ પાકિસ્તાની સત્તા પ્રતિષ્ઠાનો પર મજબુત છે. પાકિસ્તાનમાં આઈએસઆઈના ચીફનું પદ શક્તિશાળી ગણાય છે. એજન્સી પર લાંબા સમયથી આતંકીઓને શરણ આપવાનો અને તેમના દ્વારા ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર છેડવાનો આરોપ લાગતો રહ્યો છે. અફઘાનિસ્તાન તાલિબાન અને અન્ય આતંકી સંગઠનોને શરણ આપવાનો પણ આરોપ લાગ્યો છે.
વિશ્લેષકોના જણાવ્યાં મુજબ હમીદ લાંબા સમયથી આઈએસઆઈમાં પ્રભાવશાળી રહ્યાં છે. 2017ના અંત સુધીમાં ઈસ્લામાબાદમાં થયેલા આંદોલનના ગતિરોધને સમાપ્ત કરીને ફૈઝાબાદ એગ્રીમેન્ટ કરાવવામાં તેમની મહત્વની ભૂમિકા મનાઈ છે. પાકિસ્તાની સેનાના બિઝનેસ એમ્પાયર પર એક પુસ્તક લખનારા વિશ્લેષક આયેશા સિદ્દીકીએ જણાવ્યું કે 'તેઓ ખુબ કટ્ટર છે.' આયેશાએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે 'આ ખુબ જ આક્રમક નિર્ણય છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે સેના નબળી પડી નથી પરંતુ મહત્વના નિર્ણયોમાં તેનો હસ્તક્ષેપ વધી ગયો છે. '
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે