વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર પોતાની નીતિઓ દ્વારા તે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે તેઓ પોતાના દેશને ફરી મહાન બનાવવાના પ્રયાસમાં લાગેલા છે. તેવામાં દરરોજ કોઈને કોઈ વિચિત્ર નિર્ણય લઈ રહ્યાં છે. આ વચ્ચે તેમણે અમેરિકામાં રહેતા ભારતીયો પર ચાબુક ચલાવવાની તૈયારી કરી છે. જો અમેરિકામાં આવું કંઈ થશે તો સીધી ભારતના ખજાના પર અસર પડશે. હકીકતમાં, અમેરિકામાં, બિન-અમેરિકન નાગરિકો દ્વારા વિદેશમાં મોકલવામાં આવતા નાણાં, રેમિટન્સ પર 5 ટકા કર લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આનાથી ભારતીય સમુદાયની ચિંતા વધી ગઈ છે. આર્થિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ રવિવારે જણાવ્યું હતું કે જો આ દરખાસ્ત કાયદો બની જશે, તો તેની ભારતીય પરિવારો અને ભારતીય રૂપિયા પર ઊંડી અસર પડી શકે છે.
આ દરખાસ્ત 'ધ વન બિગ બ્યુટીફુલ બિલ' નામના મોટા બિલનો એક ભાગ છે, જે 12 મે, 2025 ના રોજ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ટેક્સ બિન-યુએસ નાગરિકો પર લાગુ થશે જેઓ વિદેશમાં પૈસા મોકલે છે - જેમ કે ગ્રીન કાર્ડ ધારકો અને H-1B અથવા H-2A વિઝા પર કામચલાઉ કામદારો. આ ટેક્સ અમેરિકન નાગરિકો પર લાદવામાં આવશે નહીં.
વિદેશી મુદ્રાનું નુકસાન
GTRI એ ચેતવણી આપી છે કે આ ટેક્સના કારણે ભારતને દર વર્ષે અબજો ડોલરનું વિદેશી હૂંડિયામણ ગુમાવવું પડી શકે છે. ભારતને 2023-24માં 120 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું, જેમાંથી લગભગ 28 ટકા અમેરિકાથી આવ્યું. GTRI ના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાંચ ટકા ટેક્સથી ઘરે પૈસા મોકલવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધશે. જો રેમિટન્સમાં 10-15 ટકાનો ઘટાડો થાય છે, તો ભારતને દર વર્ષે 12-18 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.
તેમણે કહ્યું કે આ નુકસાન ભારતના વિદેશી વિનિમય બજારમાં યુએસ ડોલરનો પુરવઠો ઘટાડી શકે છે, જેનાથી રૂપિયા પર દબાણ વધશે. શ્રીવાસ્તવે કહ્યું કે જો નુકસાન પૂર્ણ થઈ જાય, તો ભારતીય રિઝર્વ બેંકને રૂપિયાને સ્થિર કરવા માટે વારંવાર હસ્તક્ષેપ કરવો પડી શકે છે. આના કારણે રૂપિયાના મૂલ્યમાં પ્રતિ ડોલર 1-1.5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
ગુજરાત સહિત આ રાજ્યો પર થશે અસર
કેરલ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યમાં લાખો પરિવાર રેમિટેન્સ પર નિર્ભર છે. આ પરિવાર શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને આવાજ જેવા જરૂરી ખર્ચા માટે પૈસાનો ઉપયોગ કરે છે. શ્રીવાસ્તવે કહ્યુ કે જો રેમિટેન્સમાં અચાનક કમી આવે તો પરિવારની ખર્ચ કરવાની ક્ષમતા પર અસર પડશે. અમેરિકામાં ઘણા ગુજરાતીઓ પણ છે, જે નિયમિત રીતે ગુજરાતમાં રહેતા પરિવારોને પૈસા મોકલે છે. તેના પર પણ આ સંભવિત નવા નિયમની અસર થઈ શકે છે.
આ પણ વાંચોઃ પતિ, દીકરો કે દીકરી? માતાની સંપત્તિ પર પ્રથમ હક કોનો? અડધું ભારત આ વાતથી છે અજાણ
આ પ્રસ્તાવની અસર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોઈ શકાય છે. શ્રીવાસ્તવે કહ્યું કે આ કર વૈશ્વિક વિકાસ માટે મહત્વપૂર્ણ નાણાકીય ચેનલને વિક્ષેપિત કરી શકે છે. આનાથી ગરીબ દેશોમાં ઘરની આવકમાં ઘટાડો થશે અને અસમાનતા અને અસ્થિરતા સાથે સંઘર્ષ કરી રહેલા અર્થતંત્રોમાં માંગ નબળી પડશે. આ મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતે વિશ્વ વેપાર સંગઠન (WTO) ને સરહદ પાર મૂડી પ્રવાહ અથવા રેમિટન્સનો ખર્ચ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો અમેરિકા આ ટેક્સ લાગુ કરે છે તો ભારતના પ્રયાસોને આંચકો લાગી શકે છે.
તપાસ એજન્સીઓ અને આર્થિક નિષ્ણાતો આ પ્રસ્તાવ પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે જો આ બિલ પસાર થઈ જાય તો તે જુલાઈ 2025 સુધીમાં કાયદો બની શકે છે. દરમિયાન, ભારતીય પ્રવાસીઓને આ ટેક્સથી બચવા માટે શક્ય તેટલી વહેલી તકે મોટી રકમ મોકલવાની સલાહ આપવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે