અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપાઈ હેલી તમામ સૈન્ય મદદ રોકવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નિર્ણય તે ઘટનાના ગણતરીના દિવસો બાદ આવ્યો છે જ્યારે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલન્સ્કી સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ નિર્ણયથી યુક્રેનને અમેરિકા તરફથી મળતી મહત્વની મદદ પર મોટો સવાલ ઊભો થયો છે.
કેમ લાગી રોક?
બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ અમેરિકી રક્ષા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી યુક્રેનના નેતા શાંતિ માટે સ્પષ્ટ દાનત ન દર્શાવે ત્યાં સુધી તમામ સૈન્ય મદદ પર રોક લગાવવામાં આવશે. તેનો અર્થ એ થયો કે જે પણ અમેરિકી સૈન્ય ઉપરકરણો યુક્રેન મોકલવાના હતા તેને હાલ રોકવામાં આવ્યા છે. આમાં એ હથિયારો પણ સામેલ હતા જે પહેલેથી જ જહાજો અને વિમાનોમાં લોડ થઈ ચૂક્યા હતા કે પોલેન્ડના ટ્રાન્ઝિટ વિસ્તારોમાં હતા.
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે શું થયું
શુક્રવારે વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પની બેઠક થઈ હતી જેમાં મોટો બખેડો થઈ ગયો. એક ખનિજ સમજૂતિ પર હસ્તાક્ષર કરવાના હતા પરંતુ જ્યારે તેમણે અમેરિકા પાસે ભવિષ્યમાં રશિયાના હુમલા વિરુદ્ધ સુરક્ષા ગેરંટી માંગી તો આ ડીલ રદ થઈ ગઈ. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપી પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે.
યુએસ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પર ભડકી ગયા
બેઠક બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઝેલેન્સ્કીને અકૃતજ્ઞ (Ungrateful) કહી દીધા. તેમણે કહ્યું કે જ્યારે બીજી બાજુ ટ્રમ્પે તેમના પર ત્રીજા વિશ્વ યુદ્ધ માટે આગ ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો. ટ્રમ્પ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે જંગને ખતમ કરવા માંગે છે. પરંતુ તેમના કેટલાક નિવેદનોને કારણે તેમના પર ક્રેમલિન (રશિયા)ના વિચારોને આગળ વધારવાનો પણ આરોપ લાગી રહ્યો છે.
જાન્યુઆરીમાં આપી હતી મદદ
જાન્યુઆરીમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ 90 દિવસ માટે વિદેશી મદદ રોકવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમાં ઈઝરાયેલ અને ઈજિપ્તને મળનારી મદદ ચાલુ રહી. તે સમયે યુક્રેનને અપાનારી મદદ પણ ચાલુ હતી.
હવે શું થશે
ટ્રમ્પના આ નિર્ણય બાદ યુરોપીયન નેતા યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સમજૂતિ માટે કોશિશ તેજ કરી રહ્યા છે. તેઓ એક નવી શાંતિ યોજના પર કામ કરી રહ્યા છે. જેને અમેરિકા સામે રજૂ કરાશે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ તેના પર શું વલણ અપનાવે છે અને યુક્રેનને અમેરિકી મદદ ફરીથી મળશે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે