ધરતી પર માણસો ગમે તેટલી પ્રગતિ કરે પરંતુ બીમારીઓ દર વખતે નવા જોખમ સ્વરૂપે સામે આવી જાય છે. આ વખતે એક ખતરનાક વાયરસે દુનિયાના 57 દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. જેનાથી એક નવો પડકાર ઊભો થઈ ગયો છે. સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (CDC)એ આ દેશોમાં હાઈ લેવલ એલર્ટ જાહેર કરી છે. આ વાયરસ Measles (ઓરી) છે. જે ખુબ જ સંક્રમક છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવામાં દરેકે સતર્ક રહેવાની અને પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે.
CDC સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંકટો, રોગ પ્રકોપો, કુદરતી આફતો કે અન્ય ગંભીર સ્થિતિઓમાં ટ્રાવેલ હેલ્થ નોટિસ બહાર પાડે છે. આ વખતે દુનિયાભરમાં વધતા Measles (ઓરી) ના કેસ અંગે ચેતવણી બહાર પાડવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ અનેક દેશોમાં ઓરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
કયા લોકો પર સૌથી વધુ જોખમ
આ વાયરસનું જોખમ એવા લોકો પર સૌથી વધુ છે જેમણે હજુ સુધી તેની રસી લીધી નથી કે પછી ક્યારેય આ બીમારીથી સંક્રમિત થયા નથી અને વિદેશ મુસાફરીની યોજના ઘડી રહ્યા છે. સીડીસીનું કહેવું છે કે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારાઓએ MMR રસીનો પૂરો ડોઝ લેવો જોઈએ. ખાસ કરીને બાળકોને જે 6 થી 11 મહિના વચ્ચેના છે.
કેટલો જોખમી
ઓરી એક અત્યંત ચેપી રોગ છે જે સંક્રમિત વ્યક્તિના નાક અને ગળામાં હાજર હોય છે અને ઉધરસ અને છીંકથી હવામાં ફેલાય છે. આ વાયરસ હવામાં કે સપાટી પર બે કલાકથી વધુ સમય સુધી સક્રિય રહે છે. સંક્રમિત વ્યક્તિ દાણા નીકળ્યાના ચાર દિવસ પહેલા અને ચાર દિવસ બાદ સુધી વાયરસ ફેલાવી શકે છે. તેના લક્ષણોમાં તાવ, ઉધરસ, સતત નાક ગળવું, લાલ આંખ અને શરીર પર લાલ દાણા સામેલ છે. આ બીમારી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
કયા 57 દેશો માટે એલર્ટ
CDC મુજબ જે 57 દેશોમાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો છે જેમાં અફઘાનિસ્તાન, આર્મેનિયા, ઓસ્ટ્રિયા, અઝરબૈજાન, બેલારૂસ, બેલ્જીયમ, બેનીન, બોસ્નિયા અને હર્ઝગોવિના, બુર્કિના ફાસો, બુરુન્ડી, કેમરૂન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ, આઈવરી કોસ્ટ, કાંગો, જિબૂતી, ક્વેટોરિયલ ગિની, ઈથિયોપિયા, જ્યોર્જિયા. ઘાના, ગિની, ઈન્ડોનેશિયા, ઈરાક, આયરલેન્ડ, કઝાકિસ્તાન, કેન્યા, કિર્ગિસ્તાન, લાઈબેરિયા, લીબિયા, મલેશિયા, મોરિટાનિયા, મોલ્દોવા, મોનોકો, મોન્ટેનેગ્રો, મોઝામ્બિક, નાઈઝર, નાઈજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, કાંગો ગણરાજ્ય, રોમાનિયા, રશિયા, સેન મેરીનો, સાઉદી અરબ, સેનેગલ, સર્બિયા, સોમાલિયા, દક્ષિણ સુડાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટોગો, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, ઉઝ્બેકિસ્તાન, અને યમન સામેલ છે. CDC એ તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને જેમ બને તેમ જલદી તેની રસી લેવાની અને સાવધાની વર્તવાની સલાહ આપી છે જેથી કરીને આ ખતરનાક વાયરસના પ્રસારને રોકી શકાય. (ઈનપુટ-એજન્સી)
અત્રે જણાવવાનું કે યુનાઈટેડ કિંગડમ, થાઈલેન્ડ સહિત અનેક દેશોમાં મોટા પાયે ભારતીયોની અવરજવર છે અને ત્યાં વસેલા પણ છે. ત્યારે આવામાં ભારતીયોએ પણ સાચવીને રહેવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે