ઈરાને ઈઝરાયેલની સોરોકા હોસ્પિટલ પર હુમલો કર્યા બાદ હવે ઈઝરાયેલી રક્ષામંત્રીએ ઈરાન પર નવા પ્રકારના હુમલા કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે ઈરાના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના ખાત્માની ખુલ્લી ચેતવણી આપી છે. આ અગાઉ ઈઝરાયેલી પીએમએ પણ ઈરાનને અંજામ ભોગવવાની ચેતવણી ઉચ્ચારી છે.
રક્ષામંત્રી કેટ્ઝે કહ્યું કે દક્ષિણ ઈઝરાયેલમાં સોરોકા મેડિકલ સેન્ટર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા બાદ ઈરાનના નેતા અલી ખામેનેઈને વોર ક્રાઈમ માટે જવાબદાર ઠેરવવામાં આવશે. કેટ્ઝે ખામેનેઈને કાયર ગણાવતા કહ્યું કે, કાયર ઈરાની તાનાશાહ એક મજબૂત બંકરની અંતર બેઠા છે અને જાણી જોઈને ઈઝરાયેલમાં હોસ્પિટલો અને રહેણાંક ઈમારતો પર હુમલા કરાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે આ બધુ ખરાબ પ્રકારના વોર ક્રાઈમ છે અને ખામેનેઈને તેમના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
કેટ્ઝે કહ્યું કે તેમણે અને પીએમ બેન્જામીન નેતન્યાહૂએ આઈડીએફને ઈરાનમાં રણનીતિક લક્ષ્યાંકો અને તેહરાનમાં સરકાર સંબંધિત લક્ષ્યો પર હુમલા તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી કરીને ઈઝરાયેલ માટે જોખમનો ખતમ કરી શકાય અને અયાતુલ્લાહ શાસનને અસ્થિર કરી શકાય.
રક્ષામંત્રી અગાઉ પીએમ બેન્જામીન નેતન્યાહૂએ પણ ખામેનેઈ પ્રશાસનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. નેતન્યાહૂએ સરોકા હોસ્પિટલ અને અન્ય નાગિરક હોસ્પિટલો પર ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા બાદ જોરદાર જવાબ આપવાની કસમ ખાધી. નેતન્યાહૂએ એક્સ પર લખ્યું કે ઈરાનના આતંકવાદી તાનાશાહ (અયાતુલ્લાહ અલી ખામેનેઈ)ના સૈનિકોએ સરોકા હોસ્પિટલ અને નાગરિક વસાહતો પર મિસાઈલો છોડી. હવે ઈરાને તેની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે.
નોંધનીય છે કે ઈરાને ઈઝરાયેલી હુમલાઓના જવાબમાં કાર્યવાહી કરતા ઈઝરાયેલના શહેરો તેલ અવીવ, બીર્શેબા, રમતગન અને હોલોન પર ચાર બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. તેમાં એક મિસાઈલ તેલ અવીવના સોરોકા હોસ્પિટલ પર જઈ પડી. જેનથી સમગ્ર હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. આ સાથે જ આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
ઈઝરાયેલનો ઘાતક હુમલો
ઈઝરાયેલે ઈરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કરી દીધો. ઈઝરાયેલી સેનાએ થોડા કલાક પહેલા જ અરાક અને ખોંડબ શહેરના લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. અત્રે જણાવવાનું કે અરાકમાં હેવી વોટર રિએક્ટર છે. આ ફેસિલિટી ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામનો એક મહત્વનો ભાગ છે. અરાકમાં મોટા પાયે હથિયારોનું ઉત્પાદન થાય છે. ઈરાને જવાબમાં ઈઝરાયેલના શહેરો પર હુમલો કર્યો. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ 7 મિસાઈલો ડિફેન્સ સિસ્ટમ રોકવામાં નિષ્ફળ ગઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે