વિરલ પટેલ, અમદાવાદઃ વ્યક્તિના બોલવાની કે લખવાની શરૂઆત જે ભાષામાં થાય તે ભાષા એટલે માતૃભાષા...પોતીકાપણાનો ભાવ આપે તે છે માતૃભાષા...પ્રેમનો એકરાર ભલે 'અંગ્રેજી'માં કરો પરંતું વ્હાલ તો મારી માતૃભાષામાં જ થાય, આજે છે માતૃભાષા પર ગૌરવ કરવાનો દિવસ છે. આમ તો માતૃભાષાને પ્રેમ કરવાનો કોઈ એક દિવસ ન હોય પરંતું માતૃભાષાનું મહત્વ જાળવી રાખવાનું અને તેનું સન્માન રહે તે માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ 'વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત
દુનિયાભરના દેશોમાં માતૃભાષાના જતન અને સન્માન માટે વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીના દિવસે 'માતૃભાષા દિવસ' મનાવવામાં આવે છે.વર્ષ 1999માં યુનેસ્કોએ માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી 2000થી મનાવવામાં આવે છે.ભાષા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાઓનું સન્માન કરવું અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાનો છે. યુનેસ્કોએ વિશ્વમાં 7 હજારથી વધુ ભાષાઓ ઓળખી કાઢી જેનો ઉપયોગ બોલવા, વાંચવા અને લખવા માટે થાય છે.
કેમ 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની થાય છે ઉજવણી
વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ તે સમયની પાકિસ્તાનની સરકાર સામે મોર્ચો માંડ્યો હતો. પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાની માતૃભાષા બંગાળીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે લડત ચાલી રહી હતી. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર ભાષા જાહેર થાય તેવી માગ કરી હતી. પાકિસ્તાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી પરંતું વિરોધ અટક્યો નહીં. આંદોલન ઉગ્ર બન્યું અને છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપ્યો. હાલનું બાંગ્લાદેશ તે સમયે પાકિસ્તાનમાં સામેલ હતું.
ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા પ્રદર્શનકારીઓની યાદમાં યુનેસ્કોએ નવેમ્બર 1999માં જનરલ કોન્ફરન્સમાં 'વિશ્વ માતૃભાષા દિવસ' ઉજવવાનો નિર્ણય લીધો.
સંસ્કૃત છે દરેક ભાષાની જનની
સંસ્કૃત ભાષાને દરેક ભાષાની જનની કહેવામાં આવે છે. સંસ્કૃત ભારતની શાસ્ત્રીય ભાષા છે. સંસ્કૃત દુનિયાની સૌથી જુની ભાષાઓમાંથી એક છે. સંસ્કૃત ઈન્ડો-યુરોપિયન ભાષાને મળતી આવે છે. હિન્દી, ગુજરાતી.ઉર્દુ, કાશ્મીરી, મરાઠી, પંજાબી અને નેપાળી ભાષા સંસ્કૃત ભાષામાંથી જ આવી છે. સંસ્કૃત દેવનાગરી ભાષામાં લખાયેલી છે.
હિન્દી વિશ્વની ત્રીજી સૌથી બોલાતી ભાષા
વિશ્વની સૌથી બોલાતી ભાષામાં હિન્દી ભાષાને ગૌરવ પ્રાપ્ત થાય છે. વર્લ્ડ લેન્ગ્વેજ ડેટાબેઝના સંસ્કરણ ઈથોનોલોજ મુજબ વિશ્વની 20 સૌથી બોલાતી ભાષામાં ભારતની 6 ભાષાઓનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં 60 કરોડથી વધુ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી સૌથી બોલાતી ભાષા છે.
ગુજરાતી ભાષાનું આગમન
ગુજરાતી ભાષા 700 વર્ષથી વધુ જૂની ભાષા છે. ગુજરાતી ભાષા 3 તબક્કામાં વહેંચાઈ હતી. ગુજરાતી ભાષા 'ગુર્જર અપભ્રંશ' કહેવાતી હતી. આધુનિક ગુર્જર અને રાજસ્થાની ભાષાની પૂર્વજ ભાષા પહેલા ગુર્જર લોકો બોલતા હતા. 12મી સદીમાં આ ભાષાનો ઉપયોગ સાહિત્યમાં થવા લાગ્યો. નરસિંહ મહેતાને આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવ્યા. મધ્યકાળમાં ગુજરાતી રાજસ્થાની ભાષાથી અલગ પડી. ગુજરાતી વિશ્વમાં બોલાતી ભાષાઓમાં 24માં ક્રમે આવે છે.
અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષા ભુલાઈ
અત્યારે બાળકોના માતા-પિતાઓમાં તેમના બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનું ચલણ હોય છે. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતું એટલું આંધળુ અનુકરણ ન હોવું જોઈએ કે બાળકને ગુજરાતી ભાષા બોલતા સરખી ન આવડે.માતા-પિતાએ જ બાળક માતૃભાષા સ્પષ્ટ બોલી અને લખી શકે તે માટે વળગી રહેવું જોઈએ. ગુજરાતી ભાષાનું મહત્વ વાંચવાથી કે લખવાથી નહીં પરંતું બોલવાથી વધ્યુ છે. જે લોકો ગુજરાતી બોલે છે અને સાંભળે છે તે લોકોએ ગુજરાતી ભાષાને જીવંત રાખી છે. જેમ દક્ષિણ ભારતમાં પશ્ચિમ બંગાળમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ જોવા મળે છે અને તેના માટે જે પ્રયાસો કરવામાં આવે છે તેવા પ્રયાસો ગુજરાતી લોકો કરતા નથી. ત્યારે માત્ર એક દિવસ નહીં પરંતું દરરોજ પોતાની ભાષાને સમજીએ, માણીએ અને નવી પેઢીને શીખવાડીએ તો જ માતૃભાષાનું સન્માન જળવાઈ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે