પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે લંડનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં અપાઈ રહેલા ભાષણ વખતે હંગામો જોવા મળ્યો. મમતા બેનર્જી ભાષણ આપતા હતા અને અચાનક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના એક જૂથે હંગામો મચાવવા માંડ્યો. વિદ્યાર્થીઓએ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા અને આરજી કર કોલેજ અને હોસ્પિટલના નાણાકીય કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો. વિદ્યાર્થીઓએ તેમને આકરા સવાલો પૂછ્યા અને Go Back Mamata ના નારા પણ લગાવ્યા. મમતા બેનર્જીએ આ વિરોધના જવાબમાં 1990ના દાયકાની પોતાની એક તસવીર દેખાડી જેમાં તેમના માથા પર પટ્ટી બાંધી હતી. તેમણે દાવો કર્યો કે વિપક્ષમાં હતા ત્યારે તેમની હત્યાની પણ કોશિશ થઈ હતી.
તેને રાજનીતિક મંચ ન બનાવો
અસલમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન વિવાદ ત્યારે થયો જ્યારે એક દર્શકે તેમને પશ્ચિમ બંગાળમાં થયેલા લાખો કરોડના રોકાણ પ્રસ્તાવો પર સવાલ પૂછ્યો. મમતા તેમનો જવાબ આપતા હતા ત્યાં અન્ય એક દર્શકે અધવચ્ચે કઈક પૂછી લીધુ. ત્યારબાદ કેટલાક લોકોએ તેમને કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં થયેલા રેપ અને મર્ડર મામલે સવાલ પૂછ્યા. જેના પર મમતાએ કહ્યું કે આ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે અને કેન્દ્ર સરકાર પાસે છે. તેને રાજકીય મંચ ન બનાવો.
મમતા બેનર્જી પાછા જાઓના નારા લાગ્યા
મમતાએ વિરોધ કરી રહેલા લોકો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તમે બંગાળ જાઓ અને તમારી રાજકીય પાર્ટીને મજબૂત કરો અને પછી મને સવાલ કરો. પહેલા મારી તસવીર જુઓ કે મને કેવી રીતે મારવાની કોશિશ કરાઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ બંગાળમાં હિન્દુઓ સાથે થઈ રહેલા વ્યવહાર પર સવાલ ઉઠાવ્યો અને તેના પર મમતાએ જવાબ આપ્યો કે હું તમામ ધર્મો માટે છું, હિન્દુ અને મુસલમાન મારા માટે સમાન છે. જો કે આ જવાબ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી પાછા જાઓના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા.
રિપોર્ટ્સ મુજબ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વામપંથી વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા SFI-UKના સભ્યોએ કર્યું. તેમણે મમતા બેનર્જી અને તેમની સરકાર પર ભ્રષ્ટાચાર અને લોકશાહી અધિકારોને દબાવવાનો આરોપ લગાવ્યો. જેના પર મમતાએ પલટવાર કરતા કહ્યું કે તમે લોકો દરેક જ્ગ્યાએ આવું કરો છો. તમે મારા વામપંથી મિત્ર અને સાંપ્રદાયિક મિત્ર છો જે રાજનીતિ કરવા માટે કોઈ પણ મંચનો ઉપયોગ કરે છે. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પોતાના ફેસબુક પર આ પ્રદર્શનની તસવીરો પણ શેર કરી છે.
આ ઉપરાંત પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ એક્તા અને સમાવેશી વિકાસ પર ભાર મૂકતા કહ્યું કે જ્યારે હું ખુરશી પર હોઉ છું તો હું સમાજને વહેંચી શકું નહીં. આપણે તમામ ધર્મો, જાતિઓ અને વર્ગો માટે મળીને કામ કરવું જોઈએ. એક્તા આપણી તાકાત છે અને વિભાજન પતન તરફ લઈ જાય છે. તેમણે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકોને વિભાજીત કરવામાં એક પળ લાગે છે પરંતુ એક્તા જાળવી રાખવું કપરું કાર્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે