મ્યાંમાર અને પાડોશી દેશ થાઈલેન્ડમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ બંને દેશોમાં થઈને 1000 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે અમેરિકી ભૂગર્ભ એજન્સીએ 10 હજારથી વધુ મોતની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ મ્યાંમારના અધિકારીઓએ જણાવ્યું કે વિનાશકારી ભૂકંપમાં મૃતકોની સંખ્યા શનિવારે સવારે વધીને 1000 થઈ છે જ્યારે 1670 લોકો ઘાયલ થયા છે. જો કે બેંકકોકના અધિકારીઓએ મૃતકોની સંશ્યા અંગે જે અપડેટ આપી તેમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી. જ્યારે 22 લોકો ઘાયલ અને 1010 લોકો ગૂમ ગણાવ્યાં છે. આ અગાઉ શુક્રવારે મૃતકોનો આંકડો 10 હતો.
થાઈલેન્ડની રાજધાનીમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. જ્યારે મ્યાંમારની તાનાશાહ સેનાએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ઈમરજન્સી લાગૂ કરી છે. મ્યાંમારની સૈન્ય સરકારના પ્રમુખ જનરલ મિન આંગ હ્યાઈંગે દેશના સરકારી ટેલિવિઝન પર કહ્યું કે તેમણે કોઈ પણ દશને મદદ અને દાન માટે આમંત્રિત કર્યો છે. આ ઉપરાંત તેમણે આશંકા પણ જતાવી છે કે ભૂકંપની કારણે ભારે સંખ્યામાં લોકોના જીવ ગયા હોઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટસ જિયોલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું કે ભૂકંપનું ઊંડાણ 10 કિમી હતું. USGS એ આજે સવારે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં 10 હજારથી વધુ લોકોના મોતની આશંકા જતાવી છે.
સોશિયલ મીડિયા પર મ્યાંમારના માંડલેના અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તૂટેલા ઘર અને તૂટેલી ઈમારતો જોઈ શકાય છે. મ્યાંમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધના કારણે મોતનો અસલ આંકડો કદાચ સંપૂર્ણ રીતે સામે આવી શકે નહીં. આ ઉપરાંત ગૃહયુદ્ધે રાહત બચાવ કાર્યોને વધુ મુશ્કેલ બનાવ્યા છે.
આ ઉપરાંત બીબીસીના એક રિપોર્ટમાં જેલ અધિકારીઓના એ નીકટના સૂત્રએ જણાવ્યું કે મ્યાંમારની જેલમાં બંધ નેતા આંગ સાન સૂ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભૂકંપની તેમના પર કોઈ અસર પડી નથી અને તેઓ રાજધાની નેપીડાની જેલમાં જ છે. અત્રે જણાવવાનું કે 2021માં સૈન્ય તખ્તાપલટ બાદ આંગ સાન સૂની ધરપકડ કરાઈ હતી અને અલગ અલગ મામલાઓમાં તેમને 50 વર્ષની જેલની સજા કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે