લગભગ બે દાયકા પહેલા ભારત અને અમેરિકા વચ્ચે થયેલી પરમાણુ સમજૂતિને મોટી સફળતા મળી છે. અમેરિકી સરકારના ઉર્જા વિભાગ(DOE) તરફથી 26 માર્ચના રોજ હોલ્ટેક ઈન્ટરનેશનલ કંપનીને ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવાની લીલી ઝંડી મળી ગઈ છે. એટલે કે હવે આ અમેરિકી કંપની માટે ભારતમાં ન્યૂકિલ્યર રિએક્ટર બનાવવા અને ડિઝાઈન કરવાનો રસ્તો સાફ થયો છે. લગભગ 20 વર્ષ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે એક સમજૂતિ થઈ હતી. જેને અસૈન્ય પરમાણુ સમજૂતિ પણ કહી શકાય. ભારતમાં પરમાણુ રિએક્ટર આ સમજૂતિ હેઠળ બનશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આ મંજૂરી બાદ Holtec કંપની ભારતની ત્રણ કંપનીઓને પોતાની ટેક્નોલોજી ટ્રાન્સફર કરી શકે છે. આ ત્રણ કંપનીઓના નામ હોલ્ટેક એશિયા, ટાટા કન્સલ્ટિંગ એન્જનિયર્સ લિમિટેડ અને એલએન્ડટી છે.
પૂર્વ પીએમ મનમોહન સિંહનું સપનું, મોદી યુગમાં પૂરું
જો કે ભારત અને અમેરિકા અસૈન્ય પરમાણુ સમજૂતિની સમગ્ર રૂપરેખા પર તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને તત્કાલિન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે 2007માં હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ યોજનાઓને લાગૂ કરવા માટે લીલી ઝંડી મળવામાં લગભગ 20 વર્ષ નીકળી ગયા. તેના માટે સતત વાતચીત, વિસ્તૃત ચર્ચા, કાનૂની અને નિયામક મંજૂરી, ટેક્નોલોજી પરમિટ, અને છેલ્લે અંતિમ બ્લ્યૂ પ્રિન્ટને ઠીક કરવામાં સમય ગયો.
20 વર્ષ મામલો અટકી રહ્યો, ભારત પોતાની જીદ પર મક્કમ
અત્યાર સુધી ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સમજૂતિ હેઠળ અમેરિકી કંપનીઓ ભારતને પરમાણુ રિએક્ટર અને ઉપકરણ નિકાસ કરી શકતી હતી, પરંતુ તેમને ભારતમાં પરમાણુ ઉપકરણોની કોઈ પણ ડિઝાઈન કાર્ય કે નિર્માણ માટે મનાઈ હતી. ભારત એ વાત પર મક્કમ રહ્યું કે ડિઝાઈન, નિર્માણ અને ટેક્નોલોજી હસ્તાંતરણથી લઈને દરેક કામ ભારતમાં જ થવું જોઈએ. એક પછી એક સરકારો તેના પર મક્કમ રહી. હવે અનેક વર્ષો બાદ અને રશિયાના મજબૂત થયા બાદ અમેરિકાએ ભારતની શરતો પર સહમતિ જતાવી છે. અમેરિકી અને ભારતીય કંપનીઓ હવે સંયુક્ત રીતે નાના મોડ્યુલર રિએક્ટર કે એસએમઆરનું નિર્માણ કરશે અને તેના તમામ ઘટકો અને ભાગોનું સહ ઉત્પાદન પણ કરશે. તેને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે પણ જોવામાં આવી રહી છે. આ મંજૂરી 26 માર્ચ 2025ના રોજ આપવામાં આવી.
ભારતની મોટી કૂટનીતિક જીત
આ મામલે સૌથી મોટી વાત એ છે કે તેને ભારત માટે એક મોટી કૂટનીતિક જીત જોવામાં આવી રહી છે. આવું એટલા માટે કારણ કે જ્યારથી ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે અમેરિકામાં મેડ ઈન યુએસએ ઉપકરણોને પ્રોત્સાહન આપવાનું વિચારે છે. આવામાં સમયમાં ભારતમાં પરમાણુ રિએક્ટરોનું નિર્માણ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે.
ભારતને શું ફાયદો
મીડિયા રિપોર્ટ મુજબ આ સમજૂતિ ભારત માટે ફાયદાકારક નીવડી શકે છે. તેનાથી ભારતને સસ્તી અને સ્વચ્છ ઉર્જા મળશે. આ સાથે જ ભારત પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં આગળ વધી શકશે. ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં એક નવો ફેરફાર આવવાની શક્યતા છે. એક નવી ડીલથી ભારતને પોતાના રિએક્ટર ટેક્નોલોજીને વધુ સારી બનાવવાની તક મળી શકે છે. તેનાથી પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ્સને તેજીથી આગળ વધારવામાં મદદ મળશે. હાલ આ પ્રોજેક્ટ્સની ગતિ ખુબ ધીમી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે