જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરતા અમેરિકાએ કહ્યું કે આ દુખની ઘડીમાં તે ભારતને પડખે છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટૈમી બ્રુસે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી રૂબિયો પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે અમેરિકા ભારતના પડખે છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક શબ્દોમાં ટીકા કરે છે.
તેમણે કહ્યું કે અમે આ હુમલામાં જીવ ગુમાવનારા માટે પ્રાર્થના કરીએ છીએ, ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ જઘન્ય હુમલાના દોષિતોને ન્યાયના દાયરામાં લાવવામાં આવે.
સ્થિતિ પર નજર
જ્યારે અમેરિકા તરફથી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા પર કોઈ સ્પષ્ટ ટિપ્પણી માંગવામાં આવી તો પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે. ટૈમી બ્રુસે કહ્યું કે, આ એક ઝડપથી બદલાતી સ્થિતિ છે અને અમે તેને ખુબ નજીકથી જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે હાલ કાશ્મીર કે જમ્મુની સ્થિતિ પર કોઈ અધિકૃત સ્ટેન્ડ લઈ રહ્યા નથી. હાલ હું તેના કરતા વધુ કશું કહી શકું નહીં. અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 26થી વધુ નાગરિકોના જીવ ગયા જેમાં મોટાભાગના પર્યટકો હતા અને રજા ગાળવા માટે ત્યાં ગયા હતા.
ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહલગામ આતંકી હુમલા પર કહ્યું કે કાશ્મીરથી આવતા સમાચાર સાંભળીને વ્યથિત છે. આતંક વિરુદ્ધ અમેરિકા ભારતની સાથે છે. અમે આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો માટે શાંતિની પ્રાર્થના કરીએ છીએ અને ઘાયલોના જલદી સાજા થવાની કામના કરીએ છીએ. આ દુખની ઘડીમાં પીએમ મોદી અને ભારતના લોકો સાથે અમારો સંપૂર્ણ સહયોગ અને ઊંડી સંવેદનાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે