અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમના જ દેશના લોકોએ હવે મોરચો માંડી દીધો છે. શનિવારે સેંકડો લોકો રસ્તાઓ પર ઉતરીને તેમની નીતિઓ અને ટેરિફ અંગે વિરોધ કરવા લાગ્યા. તમામ 50 અમેરિકી રાજ્યોની સાથે કેનેડા અને મેક્સિકોમાં પણ ટ્રમ્પ વિરોધ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફ્લોરિડા નિવાસ અને વોશિંગ્ટન ડીસીમાં સેંકડોની સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. લોકો ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી ( DOGE) ના ડાયરેક્ટર એલન મસ્કનો પણ વિરોધ કરી રહ્યા હતા અને તેમની સામે આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા.
ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન
અમેરિકામાં આ પ્રદર્શન 'હેન્ડ્સ ઓફ' તરફથી થઈ રહ્યું છે. આ પ્રદર્શન ટ્રમ્પ સરકાર અને DOGE વિરુદ્ધ બજેટમાં કાપ અને નોકરીમાંથી કર્મચારીઓને કાઢવાના વિરોધમાં થઈ રહ્યું છે. પ્રદર્શનમાં 150થી વધુ સંગઠનોના નાગરિક અધિકાર સમૂહ, LGBTQ+ એડવોકેટ, યુનિયન અને ઈલેક્શન રિફોર્મ એક્ટિવિસ્ટ સહિત અનેક લોકો સામેલ છે.
હું મહાત્મા ગાંધીથી પ્રેરિત છું...
પ્રદર્શનકારીઓ ટ્રમ્પની નીતિનો વિરોધ કરી રહ્યા છે. તેને લઈને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે તેઓ મહાત્મા ગાંધીથી ખુબ પ્રેરિત છે.
પ્રદર્શનકારીએ કહ્યું કે હું મહાત્મા ગાંધીથી ખુબ પ્રેરિત છું. આજે હું એટલા માટે અહીં છું કારણ કે આ અમારો મહાસાગર છે અને અમારું નમક છે. જ્યાં સુધી વર્લ્ડ કોમર્સ અને વર્લ્ડ એક્સચેન્જનો સવાલ છે, અમારી પાસે એક બીજાને આપવા માટે ઘણું બધુ છે. પહેલા હું, પહેલા મારો દેશ, પહેલા મારા પ્રોડક્ટની આ લાલચ દુનિયા અને માનવતા માટે ટકાઉ નથી.
એક અન્ય પ્રદર્શનકારીએ કહ્યું કે હું અહીં એવા લોકોનું સમર્થન કરવા માટે આવી છું જે પોતાની નોકરી, હેલ્થ ઈન્સ્યુરન્સ, મેડિકેર, સોશિયલ સિક્યુરિટી, ઘર અને ખાવાના માટે લડી રહ્યા છે. લોકો પરેશાન છે કારણ કે તેમની પાસે પૈસા નથી, અનેક લોકોએ નોકરી ગુમાવી છે.
નવી બિઝનેસ પોલીસી લાગુ કરશે ટ્રમ્પ
અત્રે જણાવવાનું કે ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદથી જ નાણાકીય બજારોમાં ભારે ઉથલપાથલ છે. ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ નવી બિઝનેસ પોલીસી લાગૂ કરવાની તૈયારી કરી છે. તેમણે કહ્યું કે તેઓ રિસેપ્રોકલ ટેક્સ લગાવશે. એટલે કે જે દેશ અમેરિકાની વસ્તુઓ પર ટેક્સ લગાવશે તેના ઉપર પણ ટેક્સ લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે