અમેરિકા અને ભારત વચ્ચે વેપારી સંબંધો અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અમેરિકાના સામાન પર લાગતા ટેરિફમાં ભારે કાપ કરવા માટે તૈયાર થયું છે. ટ્રમ્પે કહ્યું કે અત્યાર સુધી ભારત અમેરિકાથી આયાત થતા માલ પર ભારે ટેક્સ લગાવતું હતું પરંતુ હવે તેમા કાપ મૂકવામાં આવશે. જો કે ભારત તરફથી આ અંગે કોઈ જ અધિકૃત નિવેદન આવ્યું નથી.
વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, 'ભારત અમારા પર ખુબ વધુ ટેરિફ લગાવે છે. તમે ભારતમાં કશું પણ વેચી શકતા નથી. આમ તો તેઓ સહમત થઈ ગયા છે, તેઓ હવે પોતાના ટેરિફમાં કાપ કરવા માંગે છે કારણ કે કોઈ તો છે આખરે તેમની પોલ ખોલી રહ્યું છે.'
ટેરિફ મુદ્દે ભારત પર સાધ્યું હતું નિશાન
ટ્રમ્પે આ અગાઉ પણ ભારત દ્વારા અમેરિકી સામાન પર લગાવવામાં આવતા ટેક્સ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત કેટલાક ઉત્પાદનો પર 100 ટકાથી વધુ ટેરિફ લગાવે છે જેનાથી અમેરિકી કંપનીઓને નુકસાન થાય છે. ટ્ર્મ્પે કહ્યું કે ભારત અમારા પર ભારે ટેક્સ લગાવે છે. હવે તે તેને ઘટાડવા માટે તૈયાર થયા છે કારણ કે કોઈ તેમના આ વલણને ઉજાગર કરી રહ્યું છે.
રશિયા ઉપર પણ ટેરિફ લગાવવાની તૈયારી
એટલું જ નહીં ટ્રમ્પે ભારત ઉપરાંત રશિયાને પણ ઝટકો આપવાનો સંકેત આપી દીધો છે. તેમણે કહ્યું કે અમેરિકા હવે રશિયા ઉપર પણ ટેરિફ લગાવશે. જ્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતિ ન થઈ જાય ત્યાં સુધી આ પગલું ચાલુ રહેશે. ટ્રમ્પે રશિયા અને યુક્રેન યુદ્ધને સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની સંજ્ઞા ગણાવી અને કહ્યું કે તેને જેમ બને તેટલું જલદી સમાપ્ત કરવાની જરૂર છે.
ભારતીય કૃષિ બજાર ખોલવાની માંગ
આ બધા વચ્ચે અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ભારતને પોતાના કૃષિ બજારને અમેરિકી ઉત્પાદનો માટે ખોલવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારતે કૃષિ ક્ષેત્રમાં વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને બંને દેશો વચ્ચે વેપારી સંબંધો મજબૂત થઈ શકે. અમેરિકાએ લાંબા સમયથી ભારતથી પોતાના બજારમાં અમેરિકી મેવા, ફળ અને પોલ્ટ્રી ઉત્પાદનોને વધુ પહોંચ આપવાની માંગણી કરેલી છે.
અમેરિકાનો અન્ય દેશો પર પણ ટેરિફનો નિર્ણય
બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિએ કેનેડા, ચીન અને મેક્સિકો ઉપર પણ ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમેરિકી અર્થવ્યવસ્થાને આ દેશોથી નુકસાન થયું છે અને હવે તે રોકવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમારા દેશને આર્થિક અને વેપારી મોરચે લૂંટવામાં આવ્યો છે. હવે તે બંધ થશે. કેનેડા પર લાકડાના ટેરિફ અંગે પણ તેમણે જલદી નિર્ણય લેવાની વાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે