જો તમે ક્રિકેટના રસીયા હશો તો પણ તમને કદાચ એ વાત ભાગ્યે જ ખબર હશે કે ક્રિકેટમાં એક બેટર 11 રીતે આઉટ થઈ શકે છે. ક્રિકેટમાં નિયમ મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના લેવામાં આવે છે અને લાગૂ ICC દ્વારા કરાય છે. ક્રિકેટમાં અનેક એવા નિયમ છે જે સામાન્ય લોકોને બહુ ઓછા ખબર હશે. ક્રિકેટમાં કઈ રીતે બેટર આઉટ થઈ શકે છે તે જાણવા જેવું છે.
1. ટાઈમ આઉટ
એક બેટરના આઉટ થયા બાદ જ્યારે નવો બેટર ક્રિઝ પર બેટિંગ માટે નિર્ધારિત સમય પર ન પહોંચે તો તેને ટાઈમ આઉટ ગણાવાય છે. નવા બેટરે ત્રણ મિનિટની અંદ મેદાન પર ઉતરવું પડતું હોય છે.
2. રિટાયર્ડ આઉટ
જ્યારે કોઈ બેટર, એમ્પાયર અને વિપક્ષી કેપ્ટનની મંજૂરી વગર મેદાન છોડીને બહાર જતો રહે તો તેને રિટાયર્ડ આઉટ ગણાવવામાં આવે છે. આવામાં તે બેટર ફરીથી બેટિંગ માટે પાછો ફરી શકતો નથી.
3. બોલને બેવાર બેટથી મારે
જ્યારે કોઈ બેટર બોલને બેવાર બેટથી જાણી જોઈને મારે તો તેને આઉટ ગણાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 0.01 ટકા બેટર આ રીતે આઉટ થયા છે.
4. ફિલ્ડિંગમાં જાણી જોઈને વિધ્ન નાખે
જ્યારે કોઈ બેટર ફિલ્ડીંગ કરી રહેલી ટીમની ફિલ્ડિંગમાં વિધ્ન પહોંચાડે તો આઉટ જાહેર કરાય છે. જેમ કે જો ફિલ્ડિંગ કરી રહેલી ટીમ રન આઉટ માટે બોલને સ્ટમ્પ પર થ્રો કરે અને બેટર જાણી જોઈને તે બોલને રોકે તો તેને આઉટ જાહેર કરાય છે.
5. હિટ વિકેટ
ક્રિઝ પર બેટિંગ કરતી વખતે જ્યારે કોઈ બેટરનું બેટ કે શરીરનો કોઈ ભાગ સ્ટમ્પને અડી જાય તો તેને હિટ વિકેટ આઉટ અપાય છે.
6. સ્ટમ્પિંગ
જ્યારે બેટર પોતાની ક્રિઝ બહાર નીકળીને શોટ રમવાની કોશિશ કરે અને બોલનો સંપર્ક બેટ સાથે ન થાય ત્યારે વિકેટકિપર બોલને પકડીને સ્ટમ્પ્સની ગિલ્લીઓ ઉડાવી દે ત્યારે બેટર સ્ટમ્પ આઉટ ગણાય છે.
7. રન આઉટ
જ્યારે એક બેટર બોલ રમ્યા બાદ વિકેટ વચ્ચે ભાગીને રન કરવા જાય અને ક્રિઝમાં પહોંચે તે પહેલા જ ફિલ્ડર બોલને સ્ટમ્પમાં મારીને ગિલ્લીઓ ઉડાવી દે તો બેટર રનઆઉટ કહેવાય છે.
8. લેગ બિફોર વિકેટ
જ્યારે એક બેટરને બેટના સંપર્ક વગર કોઈ બોલરનો બોલ સ્ટમ્પ્સની લાઈનમાં પેડ પર લાગે ત્યારે તેને લેગ બિફોર વિકેટ (LBW) આઉટ અપાય છે.
9. કેચ આઉટ
જ્યારે બોલ કોઈ બેટરના બેટને અડે એટલે કે બેટર શોટ મારે અને તેના મેદાનમાં પડતા પહેલા કોઈ ફિલ્ડર તે બોલને ઝીલી લે તો બેટર કેચઆઉટ થાય છે.
10. બોલ્ડ
જ્યારે કોઈ બેટર બેટિંગ કરતો હોય અને ત્યારે કોઈ બોલરનો લીગલ બોલ તેનું સ્ટમ્પ ઉડાવી દે તો તેને બોલ્ડ થયો એમ કહેવાય છે.
11. હેન્ડલ્ડ ધ બોલ
બેટરે કોઈ બોલ રમ્યો અને તેને લાગ્યું કે આ બોલ તેના સ્ટમ્પ તરફ જઈ રહ્યો છે, બોલને તે સ્મ્પ પર હિટ થતા રોકવાના ઈરાદે જો હાથથી રોકે તો હેન્ડલ્ડ ધ બોલ હેઠળ આઉટ જાહેર કરી શકાય છે. રન આઉટની જેમ જ હેન્ડલ્ડ ધ બોલની વિકેટ બોલરના ખાતામાં જતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે