Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ સમયનો લાઈવ વીડિયો બનાવનાર સગીર યુવકની પોલીસે પૂછપરછ કરી હતી. અમદાવાદ પોલીસ 17 વર્ષીય આર્યનને પોતાની સાથે લઈ ગઈ છે. જેના બાદ તેની પૂછપરછ કરાઈ હતી.
12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. તે સમયે મેઘાણીનગરના 17 વર્ષના સગીરે બનાવેલા વીડિયોમાં આ સમગ્ર ઘટના કેપ્ચર થઈ હતી. મેઘાણી નગરમાં છગનજીની વાડી પાસે આર્યન નામના સગીરે પ્લેન જમીન પર ક્રેશ થતા સમયનો વીડિયો બનાવ્યો હતો. આર્યન મોજશોખ ખાતર વીડિયો બનાવવા જતા પ્લેન ક્રેશની ઘટના તેના મોબાઈલમાં કેપ્ચર થઈ હતી.
કોઈ ધરપકડ કે અટકાયત કરાઈ નથી - અમદાવાદ પોલીસનો ખુલાસો
જોકે, બાદમાં સગીરના કેસમાં અમદાવાદ પોલીસ તરફથી મોટો ખુલાસો આવ્યો હતો. પોલીસ દ્વારા ખુલાસો કરાયો કે, આ વીડિયો બનાવવા બદલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એક મોબાઈલ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ થયું હતું. જે સગીરે વીડિયો લીધો હતો, તેણે પોલીસને વીડિયોની વિગતો આપી હતી. તે તેના પિતા સાથે સાક્ષી તરીકે નિવેદન આપવા આવ્યા હતા. ત્યારબાદ તેમને તેમના પિતા સાથે મોકલી દેવામાં આવ્યા હતા.
સગીરના પિતા રિટાયર્ડ આર્મીમેન છે, જેઓ અહીં રહે છે. આર્યન ઇડરમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને પ્લેન ક્રેશની ઘટનાના દિવસે જ અમદાવાદ આવ્યો હતો. જે મકાન પરથી વીડિયો બનાવ્યો ત્યાં નીચે રહેતા અને 3 દિવસ પહેલા જ ઉપરના મકાનમાં શિફ્ટ થયા હતા. આર્યનની બહેન પોલીસની પરીક્ષા આપવા આવી હતી અને સગીર પુસ્તકો ખરીદવા આવ્યો હતો.
જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, સગીર સાથે વાત કરવા જતા સમયે પોલીસે આવીને તેને લઈ ગઈ હતી.
(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે