ગાંધીનગરઃ સરકારી પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ આગામી પરીક્ષાનું ટાઈમટેબલ નક્કી કર્યું છે. પરીક્ષા બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. જીપીએસસી દ્વારા આગામી સમયમાં કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે.
પરીક્ષાની તારીખ જાહેર
જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા ક્લાસ 1/2 ની પ્રિલીમનરી પરીક્ષા 20 એપ્રિલ 2025ના લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષા 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર 2025ના લેવાશે. તો મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પ્રિલીમનરી પરીક્ષા 6 જૂન 2025ના લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષા 10થી 17 ડિસેમ્બર 2025 દરમિયાન લેવામાં આવશે.
વર્ગ ત્રણની પરીક્ષાનો કાર્યક્રમ
જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ- 3ની પ્રિલીમનરી પરીક્ષા 21 ડિસેમ્બરના રોજ લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષા 1થી 10 જૂન 2026 વચ્ચે લેવાશે. તો નાયબ સેક્શન ઓફિસર/ નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલીમ પરીક્ષા 7 સપ્ટેમ્બર 2025ના લેવાશે, જ્યારે મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026માં લેવામાં આવશે.
આ સિવાય જીપીએસસીએ ઓક્ટોબર 2024માં લીધેલી વર્ગ- 1 અને 2ની પરીક્ષાનું પરિણામ આવતા વિલંબ થઈ શકે છે. કોર્ટ કેસ અને ત્યારબાદ મૂલ્યાંકનને કારણે હજુ ચારથી પાંચ મહિના આ પરિણામ આવવામાં લાગી શકે છે. Dyso ની પરીક્ષાના પરિણામમાં પણ વિલંબ થવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે