Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
2026 માં જ ફેરફાર.. ત્યાં સુધી લટકતું ગાજર
સચિવાલય અને રાજકીય ગલિયારાઓમાં સૌથી મોટો પ્રશ્ન મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે આ ચર્ચાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ પ્રશ્નનો હજુ સુધી જવાબ મળ્યો નથી. મંગળવારે આવે અને ધારાસભ્યનો દિવસ હોય એટલે દરેક ધારાસભ્ય ખૂણામાં લઈ જઈને એક જ વાત કરે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે. પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે તેવી વાતો પણ લાંબા સમયથી ચાલે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂંક થતી નથી અને આગળ વાત વધતી નથી. જોકે કેટલાક રાજકીય નિષ્ણાત એવું માની રહ્યા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે કરવાથી સરકાર કે ભાજપને શું ફાયદો થાય? ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027 માં યોજાશે. એ પહેલા એટલે કે 2025 માં મંત્રીમંડળનું વિસ્તરણ કરે તો તેની અસર 2027 સુધી ન જ રહે. આથી 2026 માં મંત્રીમંડળનું વિસ્તરણ કે મોટાપાયે ફેરબદલ કરે. ભાજપ સરકાર 2027 ના મેદાનમાં ઉતરી શકે. ચૂંટણી પહેલા મોટા સાહેબે ભ્રષ્ટાચારી મંત્રીઓને કાઢી મૂક્યા તે પ્રકારનો સંદેશો આપી શકાય. આમ પણ ભાજપે ભૂતકાળમાં બોર્ડ નિગમની વાત હોય કે મહત્વની જગ્યાએ નિમણૂંક ચૂંટણી વર્ષને કાયમ ધ્યાનમાં રાખ્યું છે. ચોક્કસ રણનીતિ અંતર્ગત 2026 સુધી સતત માર્કેટમાં અને મીડિયામાં ગમે ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર જેવી અફવાઓ ફેલાતી રહી શકે છે.
CM એ આઈએએસ અને મંત્રીઓને બહારનો રસ્તો બતાવ્યો
આપને થોડા દિવસથી નવાઈ લાગતી હશે કે મુખ્યમંત્રી સહિત ભાજપના મંત્રીઓ અને અધિકારીઓના પ્રવાસ વધી ગયા છે. એક પ્રવાસ પૂરો કરે અને તરત બીજો પ્રવાસ નક્કી જ હોય છે. મંત્રીઓ અને અધિકારીઓ ગાંધીનગરમાં એસી કેબિનમાં બેસી પ્રજાના કામો કરતા હોવાનો દાવો કરતા હતા. જોકે મુખ્યમંત્રી કાર્યાલયમાં સિનિયર અધિકારીએ આ મામલે ફોડ પાડી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓને આડા હાથે લીધા હતા. માત્ર એસી કેબીનમાં બેસીને પ્રજાની મુશ્કેલી ન સમજી શકાય. પ્રજાની મુશ્કેલી સમજવા માટે જમીન પર જવું પડે. મંત્રીઓ અને અધિકારીઓ મુખ્યમંત્રીની ટકોર સાનમાં જ સમજી ગયા. એટલે હવે કમ સે કમ થોડા દિવસ માટે તો મંત્રીઓ અને અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓના પ્રવાસમાં જોવા મળશે. આમ પણ ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી ગુરુ શુક્ર અને શનિવારે મતવિસ્તારમાં કે પ્રજાની વચ્ચે જવા માટેનો લેખિત નિયમ છે. જોકે કોઈ તેનું પાલન નથી કરતા. તેના કારણે આ પ્રકારે વખતોવખત અધિકારીઓ અને મંત્રીઓને યાદ દેવડાવું પડે છે.
સિનિયર અધિકારીની મંત્રીએ ગેમ કરી નાખી
થોડા દિવસ પહેલા એક જ વિભાગમાં 34 થી વધુ અધિકારી ઓની બદલીના ઓર્ડર થયા. જોકે આ વિભાગના મંત્રીએ અગાઉ સૂચના આપી હોવા છતાં આ બદલીના ઓર્ડરમાં તેનું ધ્યાન અધિકારીએ ન રાખ્યું. અધિકારીએ પણ જાણી જોઈને વિભાગમાં મંત્રીનું ચાલતું નથી તે પ્રસ્થાપિત કરવા માટે જ આ બદલીના ઓર્ડર કર્યા હતા. જેવી બદલીનો આદેશ આવતા જ મંત્રી બગડ્યા. અધિકારીને ફોન કરી કહેવાના અને ન કહેવાના શબ્દો કહ્યાં. આ સાંભળી અધિકારી સ્થિતિને પામી ગયા અને 10 થી 15 મિનિટમાં જ રિવાઇઝ બદલીના ઓર્ડર કરવામાં આવ્યા.
યુવાનો બેકાર, સરકારના જમાઈને નિવૃત્તિ બાદ પણ જલસા
રાજ્ય સરકારમાં મહત્વની જગ્યાઓ ઉપર નિવૃત્ત આઇએએસથી માંડીને વર્ગ એક સુધીના અધિકારીઓ જલસા કરે છે. કરાર આધારે નોકરી કરી પોતાનો દબદબો ચાલુ રાખે છે. રાજ્ય સરકારનો એક પણ વિભાગ એવો નહીં હોય કે ત્યાં નિવૃત્ત અધિકારીને સ્થાન ન આપવામાં આવ્યું હોય. બીજી તરફ રાજ્યના યુવાનોમાં શિક્ષિત બેકારી વધી રહી છે. જોકે અત્યાર સુધી સરકાર સચિવાલય અને સરકારી મહત્વની જગ્યાઓ ઉપર અનુભવી જોઈએ તે કારણ આગળ ધરીને આ કરતા હતા. જોકે હવે શિક્ષણ વિભાગમાં નિવૃત્ત શિક્ષકોને કરાર આધારે લેવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો. આ નિર્ણયનો ઠેર ઠેર વિરોધ પણ થયો છે. સોશિયલ મીડિયામાં આ નિર્ણયની આખરી ટીકાઓ થઈ રહી છે. ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓ ભરતી માટે રાહ જોઈને બેઠા છે. તેવી સ્થિતિમાં તે જગ્યાઓ ઉપર કામ ચલાઉ નિવૃત્ત શિક્ષકો લેવા એ પરિપત્ર સરકારની બેધારી નીતિ ખુલ્લી પાડે છે. સોશિયલ મીડિયામાં તો જે મંત્રીઓ પણ રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા છે તેમને પાછા લેવા જોઈએ એ પ્રકારની કોમેન્ટનો પણ મારો ચાલ્યો છે. આ નિર્ણયમાં શિક્ષણ મંત્રીઓએ હાથ અધ્ધર કર્યા છે. શ્રાવણ માસમાં શિક્ષકોને ઘેલા સોમનાથમાં જવાબદારી સોંપ્યા પછી આદેશ રદ કરવો પડ્યો તે જ પ્રકારની સ્થિતિ શિક્ષણ વિભાગની આ પરિપત્રમાં પણ થઈ શકે છે.
મંત્રીઓ અને તેમના કર્મચારીઓ પૂજાપાઠમાં લાગ્યા
2025 નું વર્ષ શનિના પ્રભાવવાળું હોવાની ચર્ચા ચાલી રહી છે. દેશ અને દુનિયામાં અસાધારણ ઘટનાઓ પણ બની રહી છે. તેના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેટલાક મંત્રીઓ સતત ચિંતામાં જોવા મળે છે. હવે આ ચિંતા તેમના મંત્રીમંડળના કાર્યાલયના કર્મચારીઓ સુધી પણ પહોંચી છે. આમ પણ ભોલેનાથનો શ્રાવણ મહિનો શરૂ થતા જ ધાર્મિકતા વધે એ સ્વાભાવિક છે. કેબિનેટ કક્ષાના સિનિયર મંત્રીઓ કાર્યાલયમાં પ્રવેશ કરતા જ ભગવાનને અગરબત્તી અને દીવો કરે છે. કેટલાક મંત્રીના કર્મચારીઓ સામૂહિક રીતે પૂજા પાઠ અને સત્યનારાયણની કથા પણ કરે છે. રાજ્યકક્ષાના એક મંત્રી તો સતત પોતાના હાથમાં માળા રાખી ભગવાનનું નામ જપવા લાગ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે