Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
ગુજરાતના રાજકારણમાં મોટું થશે
ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી જાણે બધું અટકી ગયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂંકનો મામલો હોય કે મંત્રીમંડળનો વિસ્તરણ. ઉચ્ચ અધિકારીઓની બદલીઓ હોય કે પોલીસ તંત્રમાં બઢતી અને બદલી હોય. વહીવટી તંત્રમાં સ્થિરતા આવી છે. નવી જંત્રી લાગુ કરવાનો નિર્ણય લટકી પડ્યો છે. હવે આ તમામ બાબતો એ દિશા તરફ દિશા નિર્દેશ કરે છે કે ગુજરાતના રાજકારણમાં આવનાર દિવસોમાં મોટા પરિવર્તનો આવી રહ્યા છે.
વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ ભાજપની આંતરિક ખેંચતાણ
આવનાર દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર માટેનો પાયો વિસાવદરની પેટાચૂંટણીએ નાંખ્યો છે. આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે. જોકે એક સમયે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જે બેઠક ઉપરથી ગુજરાતના રાજકારણમાં ભાજપનો પાયો નાંખ્યો તે બેઠક ઉપર ભાજપની કારમી હાર થઈ. આમ પણ વિસાવદર બેઠક ઘણા સમયથી વિપક્ષ કે અન્ય પાર્ટી પાસે રહી હતી. જોકે ભાજપ માટે સૌથી ચિંતાજનક વિસાવદર બેઠકમાં કેટલાય વિસ્તારો એવા છે કે ત્યાં 1980 થી ભાજપ લીડ મેળવતો હતો તે વિસ્તારોમાં ભાજપ બીજા કે ત્રીજા ક્રમે મતો મેળવ્યા છે, તેવું પૃથ્થકરણ સામે આવ્યું. ભાજપમાં હાર માટે અત્યારે ઉમેદવાર કિરીટ પટેલ, પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને જયેશ રાદડિયાને જવાબદાર ઠેરવી રહ્યા છે. પણ વાસ્તવિકતા ભાજપની જ આંતરિક રાજનીતિ કે જૂથવાદ જવાબદાર હોવાનો ભાજપનો એક વર્ગ માની રહ્યો છે. આ વર્ગ તેના કારણો આપતા ઉમેદવારની પસંદગી કોને કરી?, વિસાવદર બેઠકની જવાબદારી જયેશ રાદડિયાને સોંપાઈ હતી. જયેશ રાદડિયા ભાજપના સહકારી ક્ષેત્રના મેન્ડેડ સામે પડી દાખલો બેસાડ્યો હતો. એટલે શું આ જયેશ રાદડીયાનો હિસાબ ચૂકતે કરાયો.
વિસાવદર બેઠકની પેટા ચૂંટણીના પરિણામથી ગુજરાતમાં બધું બરાબર નથી તે પ્રકારનો સંદેશો કેન્દ્રીય મોવડીમંડળને અપાવ્યો. કોંગ્રેસમાંથી આવેલા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પણ ભાજપની ‘યુઝ એન્ડ થ્રો’ની નીતિ સામે ભૂતકાળમાં પણ વિરોધ વ્યક્ત કરતા રહ્યા. છતાં કોઈ પગલાં ન લેવાયા તેનું આ પરિણામ. રાજકારણમાં હાર-જીતના કારણ કોઈ પણ હોઈ શકે પણ તે પછી આવતા પરિણામોની અસર લાંબા ગાળે થતી હોય છે. આજ વિસાવદર બેઠક ઉપર ચૂંટાયેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની સરકારમાં સાબરમતીની પેટાચૂંટણીમાં એક બેઠક હારથી મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા હતા. ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે મુખ્યમંત્રી પદેથી કોઈને કોઈ પણ રીતે ગમે ત્યારે દૂર કરવામાં આવે.
ઉમેશ મકવાણાના ખભે કોણે બંદૂક મૂકીને ફોડી?
આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામાં આપ્યા. આખરે આપ પાટી દ્વારા પણ તેઓને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. આ ઘટના દેખાય છે તેટલી નાની નથી. ઉમેશ મકવાણા દ્વારા રાજીનામોના કારણોમાં દલિત, કોળી અને ઓબીસીના અન્યાયનો મુદ્દો આગળ કર્યો. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીમાં અન્યાય થતો હોવાની વાત કરી. જોકે એવા સમયે આ મુદ્દો ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે એક તરફ ભાજપ ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂંકનો મામલો અટકેલો છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. મંત્રીમંડળ વિસ્તરણની વાતો ચાલે છે. રાજકીય નિષ્ણાતો ઉમેશ મકવાણાની આ ચાલને કોઈ મોટા માથાઓ દ્વારા દોરી સંચાર થતો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.
પાટીદાર અને સવર્ણ સમાજની રાજનીતિ આગમાં ઘી હોમશે
ઉમેશ મકવાણા દ્વારા દલિત, કોળી અને ઓબીસીના અન્યાયની વાત કરી. તરત તેની સામે પાટીદાર આંદોલન સમિતિના ચહેરા સામે આવી ગયા અને સમાજના મુદ્દાઓને ઉપસ્થિત કર્યા. આ મુદ્દાઓમાં 10 વર્ષ પછી ફરી એક વખત અનામતનો મુદ્દો મહત્વનો બનશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઇડબલ્યુએસ કેટેગરીને અનામત આપવાની માંગણી કરાઈ. આ માંગણીને તરત જ ક્ષત્રિય સમાજ દ્વારા ટેકો પણ આપવામાં આવ્યો. આવનાર દિવસોમાં અન્ય સવર્ણ સમાજ પાટીદાર યુવાનોના મુદ્દા પર પોતાનો ટેકો જાહેર કરશે. રાજકીય રીતે જોવા જઈએ તો, ગુજરાતમાં ફરી એક વખત જાતિગત રાજકારણ જોર પકડશે. માત્ર એક તરફ સવર્ણ સમાજ અને બીજી તરફ અન્ય સમાજ જેવી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ સામે આવે તો નવાઈ નહીં.
દૂધસાગર ડેરી વિવાદમાં પણ રાજકીય દાવ
દૂધસાગર ડેરીમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું. પોલીસ કેસ થયા બાદ વિપુલ ચૌધરીની રાજકીય કારકિર્દી પર અલ્પવિરામ મૂકાયો. આ ઘટનાક્રમ પછી અશોક ચૌધરી ચેરમેન અને વોઇસ ચેરમેન તરીકે યોગેશ પટેલ ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેડથી જ મૂકાયા. હવે આ બંને વચ્ચે વિવાદ શરૂ થયો છે. બોર્ડ મિટિંગમાં ચેરમેન દ્વારા વાઇસ ચેરમેનને સવાલો પૂછતા લાફાવાળી સુધી મામલો બીચક્યો. વાઇસ ચેરમેને પોલીસ સ્ટેશનમાં અરજી આપી. બીજા દિવસે વાઇસ ચેરમેને amul પાવડરનો એક્સપાયરી ડેટનો જથ્થો પડ્યો હોવાની અને આમ છતાં નવા પાવડરની ખરીદી કરી કોભાંડ કરી હોવાની વાત મીડિયામાં મૂકી. હવે અશોક ચૌધરી સામે મોરચો ખોલવામાં આવ્યો. વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા લાફાવાળી પ્રકરણમાં પહેલા મોબાઈલ પર નિવેદન આપ્યું ત્યારે ‘હું પણ પાટીદારનો દીકરો છું’ તેવો ઉલ્લેખ કર્યો હતો. જે ઉત્તર ગુજરાત અને મહેસાણાના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પાડી શકે છે. યોગેશ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, પાર્ટી દ્વારા મને જે કહેવાય છે એ જ પ્રમાણે હું કરું છું. તેના પરથી ફલિત થાય છે કે ભાજપનું જ આંતરિક જૂથ અશોક ચૌધરીને નિશાન બનાવી રહ્યું છે. રાજકારણમાં આ પ્રકારના દાવપેચ થવાના. પણ દૂધસાગર ડેરીમાં ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો સભાસદોને જવાબ અને ન્યાય મળવો જોઈએ તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે