12 જૂનનો દિવસ ભારત માટે અત્યંત ગોઝારો બની ગયો કારણ કે આ દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ટેકઓફ બાદ તરત તૂટી પડ્યું હતું. જેમાં 270થી વધુ લોકોના જીવ ગયા. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રવિવારે જણાવ્યું કે વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB) આ અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. તેઓ દરેક સંભવિત કારણો પર ધ્યાન આપી રહ્યા છે.
તોડફોડની આશંકાનો એંગલ પણ?
મંત્રી મુરલીધર મોહોલે એનડીટીવી સાથે વાતચીતમાં જણાવ્યું કે આ મામલાની તપાસ દરેક એંગલથી થઈ રહી છે. જેમાં તોડફોડની આશંકા પણ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે CCTV ફૂટેજ ફંફોળવામાં આવી રહ્યા છે અને અનેક એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. મંત્રીએ આ ઘટનાને દુર્લભ મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે બંને એન્જિન એક સાથે ફેલ થઈ ગયા હતા. આવું ક્યારેય થયું નથી કે બંને એન્જિન એક સાથે બંધ થઈ ગયા હોય. મંત્રીએ જણાવ્યું કે બ્લેક બોક્સ, જેમાં Cockpit Voice Recorder (CVR) અને Flight Data Recorder (FDR) સામેલ છે તેમાંથી મહત્વની જાણકારીઓ મળશે. બ્લેક બોક્સ એક એવું ડિવાઈસ હોય છે જે વિમાનના ઉડાણ દરમિયાનની તમામ જાણકારીઓ રેકોર્ડ કરે છે. જેનાથી અકસ્માતના કારણો જાણવામાં મદદ મળી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ એન્જિનની સમસ્યા હતી, ઈંધણની આપૂર્તિમાં કોઈ મુશ્કેલી હતી કે પછી કઈ બીજુ. હાલ કઈ પણ કહેવું એ ખુબ ઉતાવળભર્યું રહેશે પરંતુ બધુ સામે આવી જશે. રિપોર્ટ ત્રણ મહિનામાં આવે તેવી આશા છે. બ્લેકબોક્સને એનાલિસિસ માટે વિદેશ મોકલવામાં આવશે તે સમાચારોને પણ તેમણે ફગાવી દીધા. તેમણે સ્પષ્ટ કર્યું કે બ્લેક બોક્સ વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોની કસ્ટડીમાં જ રહેશે. તેમણે કહ્યું કે તે ક્યાંય જશે નહીં. અમે સંપૂર્ણ તપાસ અહીં જ કરીશું.
સુરક્ષિત વિમાન મુસાફરીનો ભરોસો
અકસ્માત બાદ સુરક્ષા અંગે ઉઠી રહેલા સવાલો પર મંત્રીએ જનતાને ભરોસો પણ જતાવ્યો. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાના કાફલામાં રહેલા તમામ 22 બોઈંગ ડ્રીમ લાઈનર વિમાનોની ડીજીસીએએ સમીક્ષા કરી છે. DGCA ભારતમાં વિમાનોની સુરક્ષાનું ધ્યાન રાખતી સંસ્થા છે. તેમણે કહ્યું કે બધુ સુરક્ષિત જણાયું છે. લોકો હવે ડરેલા નથી અને આરામથી મુસાફરી કરે છે. મંત્રી મોહોલે કહ્યું કે સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને દરેક પહેલુંની તપાસ કરી રહી છે. તેઓ જેમ બને તેમ જલદી કારણોની તપાસ કરવામાં લાગ્યા છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અને તપાસમાં સહયોગ કરવાની અપીલ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે