હિમાંશું ભટ્ટ/મોરબી: છેલ્લા વર્ષોથી બોલીવુડમાં રિયલ ઘટના ઉપરથી સ્ટોરી લઈને ફિલ્મ બનાવવામાં આવી હોય તેવી ઘણી ફિલ્મો આવી છે જેમાં કેરલા ફાઇલ્સ, કશ્મીર ફાઇલ્સ, આર્ટિલ્ક 370, ટ્વેલ ફેઇલ વિગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે તેવામાં આગામી માહિનામાં દેશમાં બહુચર્ચિત જ્ઞાનવાપી વિવાદ ઉપર બનેલ 'જ્ઞાનવાપી ફાઇલ્સઃ એ ટેઇલર્સ મર્ડર સ્ટોરી' ફિલ્મ રીલીઝ થવાની છે અને આ ફિલ્મ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI અરુણ મિશ્રા કે જે પોતાની ફિટનેસને લઈને યુવાનો સહિતનાઓમાં ચર્ચામાં રહેતા હોય છે તેઓ 'જ્ઞાનવાપી ફાઇલ્સઃ એ ટેઇલર્સ મર્ડર સ્ટોરી' ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે
આજની તારીખે પોલીસ વિભાગ કે જે સરકારી નોકરીમાં સૌથી વધુ ફિટ ગણવામાં આવે છે તેમાં મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI અરુણ મિશ્રા તેના સિક્સ પેક્સ અને ફિટનેસના લીધેલ હીરો જેવી પર્સનાલિટી હોવાથી યુવાનો સહિતનાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે ઉલેખનીય છેકે, તેઓની માત્ર હીરો જેવી પર્સનાલિટી છે એટલું જ નથી તેઓ ખરેખર ફિલ્મમાં હીરો તરીકે કામ કરી રહ્યા છે અને આગમી જૂન મહિનાની 27 મી તારીખ બૉલીવુડની 'જ્ઞાનવાપી ફાઇલ્સઃ એ ટેઇલર્સ મર્ડર સ્ટોરી' ફિલ્મ રીલીઝ થવાની છે અને આ ફિલ્મ PSI અરુણ મિશ્રાનો રોલ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકેનો છે.
મોરબીમાં ફરજ બજાવતા અરુણ મિશ્રાનો જન્મ અમદાવાદમાં થયેલ છે અને તેમના પિતા બાલકૃષ્ણ મિશ્રા રેલવેના નિવૃત અધિકારી છે જયારે તેમના માતા પ્રેમવતી શિક્ષિકા હતા અને તેઓએ અમદાવાદમાં જ બી.એસસી. સુધીનો અભ્યાસ કર્યો છે તેઓને ભણતા હતા ત્યારથી જ ફિલ્મ અને નાટકમાં કામ કરવું ગમતું હતું હતું સાથોસાથ શરીરને તંદુરસ્ત રાખવા માટે તેઓ દિવસમાં ઓછામાં ઓછી અઢીથી ત્રણ કલાક સુધી જીમમાં પ્રેક્ટિસ કરે છે. આજે 41 વર્ષની ઉમરે પણ તેનું ફિટનેશ 21 વર્ષના યુવાનને શરમાવે તેવું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. ઉલેખનીય છે કે, પોલીસ વિભાગમાં આવ્યા તે પહેલા તેઓ વર્ષ 2002 માં ભારતીય સેનામાં ટેક્નિશિયન તરીકે જોડાયા હતા અને ત્યાર બાદ પિતાની નાદુરસ્ત તબીયને ધ્યાને રાખીને તેને આર્મીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. એટ્લે કે પહેલા તે દેશની બોર્ડર ઉપર આતંકીઓ સાથે લડતા હતા અને આજે તે દેશીની અંદર અસામાજિક પ્રવૃતિ કરનારાઓની સામે લડી રહ્યા છે. તેમ છતાં પણ તેઓની અંદર રહેલ કલાકારને તેમણે મારવા દીધેલ નથી.
વર્તમાન ઘટના ઉપર બનેલ ફિલ્મ ''''જ્ઞાનવાપી ફાઇલ્સ'''' ને રીલીઝ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે PSI અરુણ મિશ્રા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતુ કે, અગાઉ તેઓએ ''''જગત'''' ફિલ્મમાં અભિનય કર્યો હતો તે જોઈને 'જ્ઞાનવાપી ફાઇલ્સ' ફિલ્મ માટેની તેઓને ઑફર આવી હતી. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો હતો અને આ ફિલ્મનો હિસ્સો બનવાનો તેઓને મોકો મળ્યો હતો જેથી તેમણે ફિલ્મ માટે હા પડી હતી અને આ ફિલ્મમાં તેઓ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકેના રોલમાં લોકોને જોવા મળશે. અત્રે ઉલેખનીય છેકે, જે રીતે 'જગત' ફિલ્મમાં તેનું નામ અરુણ મિશ્રા રાખવામા આવ્યું હતું તેવી જ રીતે આ ફિલ્મમાં પણ તેઓનું નામ અરુણ મિશ્રા જ રાખવામા આવ્યું છે. અને આ ફિલ્મનુ મોટાભાગનું શૂટિંગ ચંદીગઢના સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે. અને આ ફિલ્મ ઉદયપુરના કન્હેયાલાલ મર્ડર પર આધારિત છે. આટલું જ નહીં આ ફિલ્મની કમાણીમાંથી 25 ટકા રકમ કન્હેયાલાલના પરિવારને આપવાની ફિલ્મ નિર્માતા દ્વારા જાહેરાત પણ કરવામાં આવેલ છે. અને આ ફિલ્મના ડિરેક્ટર્સ ભરત એસ. શ્રીનતે તથા જયંત સિંહા છે જેમાં કહૈયાલાલનો રોલ વિજય રાઝે પ્લે કરશે
PSI અરુણ મિશ્રા નાનપણથી જ ભણવા ખૂબ જ હોશિયાર હતા અને હાલમાં તેઓ પોલીસ વિભાગમાં છેલ્લા 9 વર્ષથી PSI તરીકે ફરજ બજાવે છે અને તેઓ પોતાની સમયમાં આવનારી ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમશે તેવું કહી રહ્યા છે સાથોસાથ તેમનું ફિલ્મ લાઇનમાં કામ કરવાનું સપનું સાકાર કરવા માટે પરિવાર તરફથી તો તેઓને તમામ પ્રકારનો સહયોગ અને સહકાર મળે છે તેની સાથોસાથ પોલીસ વિભાગ તરફથી પણ તેઓને પ્રોત્સાહન અને સહકાર આપવામાં આવી રહ્યું છે જેથી કરીને આગમી સમયમાં તેઓ જે કોઈપણ ફિલ્મમાં કામ કરશે તેમાં પોલીસ વિભાગ કે પછી પોલીસની વર્દીને લાંછન કે ડાઘ ના લાગે તેવા જ રોલ કરશે. તેવું તેમણે કહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે