Surat News ; પ્રશાંત ઢીવરે/સુરત : અમેરિકાએ 25 ટકા ટેરિફ અને દંડ લાદવાની જાહેરાત કરી છે, જેનાથી ગુજરાતના ફાર્મા, કાપડ, એન્જિનિયરિંગ, જેમ્સ અને જ્વેલરી અને કેમિકલ ઉદ્યોગો પર મોટી અસર પડી શકે છે.
ગુજરાતના આ ઉદ્યોગોને પડશે અસર
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થશે, જ્યારે ફાર્મા ઉદ્યોગ પર તેની અસર મર્યાદિત રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 25 ટકા ટેરિફ અને દંડ લાદવાના નિર્ણયથી ગુજરાતના અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે. તેની અસર ફાર્મા, કાપડ, એન્જિનિયરિંગ, જેમ્સ અને જ્વેલરી અને રસાયણો જેવા મુખ્ય ઉદ્યોગો પર સ્પષ્ટપણે દેખાશે. આ બધા ક્ષેત્રોને એપ્રિલથી જ ખ્યાલ હતો કે અમેરિકા ટેરિફ લાદશે, તેથી દરેક તેના માટે તૈયાર હતા. તેમણે કહ્યું કે કાપડ ક્ષેત્ર અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ નિકાસ કરે છે, પરંતુ અમેરિકા એક મોટું બજાર છે.
હીરા ઉદ્યોગને મોટી અસર
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આયાત થતા હીરા પર 25% ટેરિફ લાદવાની જાહેરાતને પગલે સુરતના વિશાળ હીરા ઉદ્યોગ પર ગંભીર અસર પડવાની છે. 1 ઓગસ્ટથી અમલમાં આવનારા આ ટેરિફને કારણે કુદરતી અને લેબગ્રોન હીરાના નિકાસકારોને વાર્ષિક અંદાજે ₹12,000 કરોડથી વધુનો વધારાનો બોજ પડશે, જે ઉદ્યોગના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે.
અમેરિકા હીરાનો સૌથી મોટો ખરીદાર
વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થાય છે, અને અમેરિકા આ હીરાનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ-જ્વેલરી ઉદ્યોગને સીધો ફટકો પડશે.ડાયમંડ ઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવ્યું કે, અગાઉ હીરા પર શૂન્ય ટકા ટેરિફ હતો. ત્યારબાદ જ્વેલરી પર 5 થી 7 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. 5 એપ્રિલથી આ ટેરિફ 10 ટકા કરાયો અને હવે તે સીધો 25 ટકા પર પહોંચી ગયો છે, જે ઉદ્યોગ માટે મોટો આંચકો છે.
ગુજરાતના અર્થતંત્ર પર મોટી અસર
રત્ન અને ઝવેરાત ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થશે, કારણ કે તેની વાર્ષિક 10 થી 12 અબજ ડોલરની નિકાસ ફક્ત અમેરિકામાં થાય છે. હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યો છે અને છેલ્લા બે વર્ષમાં હજારો રત્ન કલાકારોએ તેમની નોકરી ગુમાવી છે. આવી સ્થિતિમાં, આ નિર્ણય તેમના માટે વધુ સમસ્યાઓ ઊભી કરી શકે છે.
દવા પર ટેરિફથી અમેરિકાને ફટકો પડશે
આની સીધી અસર ફાર્મા ઉદ્યોગ પર પડશે નહીં, કારણ કે ટેરિફનો બોજ અમેરિકન નાગરિકો પર વધુ પડશે. ત્યાં દવાઓના ભાવ વધશે. કેમિકલ ઉદ્યોગે ચીન સાથે સ્પર્ધા કરવી પડશે, કારણ કે ત્યાં પણ ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા, દોઢ મહિનામાં 8 ના મોત
કેમિકલ ઉદ્યોગે ચીન સાથે સ્પર્ધા કરવી પડશે
એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રો પણ આનાથી પ્રભાવિત થશે. પટવારીએ સરકારને ટેરિફનો ઉકેલ શોધવા અથવા સબસિડી અને વ્યવસાય કરવાની સરળતા પર કામ કરવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે ભારતીય ઉદ્યોગોએ પહેલા પણ આવા આંચકાનો સામનો કર્યો છે અને આ વખતે પણ તેઓ સરકારની મદદથી તેમાંથી બહાર નીકળી શકે છે.
ગત નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકાને ₹42,000 કરોડના કુદરતી હીરા અને ₹5,800 કરોડના લેબગ્રોન હીરાની નિકાસ કરી હતી. નવા ટેરિફ મુજબ, 1 ઓગસ્ટથી કુદરતી હીરાના નિકાસ પર ₹10,500 કરોડ અને લેબગ્રોન હીરા પર ₹1,470 કરોડનો વધારાનો ટેરિફ ચૂકવવો પડશે. આનાથી કુલ ₹12,000 કરોડથી વધુનો બોજ ઉદ્યોગ પર આવશે અને સ્વાભાવિક રીતે અમેરિકામાં હીરાની માંગમાં ઘટાડો થશે તેવી આશંકા છે.
બોડકીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત સરકાર અમેરિકા સાથે આ મુદ્દે વાટાઘાટો કરી રહી છે અને સારા પરિણામની અપેક્ષા છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે અલગ અલગ દેશો પર અલગ અલગ ટેરિફ હોવાથી, અમેરિકાનું ડાયમંડ માર્કેટ અન્ય દેશો તરફ વળવાની શક્યતા છે, જે લાંબા ગાળે સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ પડકારો ઉભા કરી શકે છે. આ નિર્ણયથી વૈશ્વિક હીરા બજારમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.
ઓગસ્ટની શરૂઆતમાં જ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલે આપી તારીખ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે