Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશમાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પણ આ અકસ્માતમાં દુખદ નિધન થયું છે અને DNA સેમ્પલ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. ફિલ્મમેકરના નિધનની વાત સ્વીકારવા માટે પરિવાર તૈયાર નહોતો પરંતુ અંતે પોલીસની માનવતાપૂર્ણ કાર્યવાહી અને તમામ તપાસ બાદ ખાતરી થતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.
અકસ્માત બાદ ગુમ થયા હતા ફિલ્મમેકર
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન અકસ્માત થયો ત્યારે નરોડા વિસ્તારમાં મુરલીધર હાઈટ્સ ખાતે રહેતા મહેશભાઈ જીરાવાલા (ઉંમર વર્ષ 34) ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર હતા. તેઓ પોતાના એક્ટિવા સાથે ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુમાં ગુમ થયા હતા. ત્યારબાદ તેમના ભાઈએ ગુમ થવાની જાણવાજોગ નરોડા પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારબાદ તપાસમાં પ્લેન ક્રેશની આસપાસના વિસ્તારમાં મહેશભાઈનો ફોન બંધ થયો હોવાની વાત સામે આવી હતી.
ત્યારબાદ પોલીસને પ્લેન ક્રેશમાં મહેશભાઈ ભોગ બન્યા હોય તેવી શંકા જતાં પરિવારને જાણ કરી હતી, પરંતુ પરિવાર આ વાત સ્વીકારવા તૈયાર નહોતો. અમદાવાદ શહેરના સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પરિવારજનોને ડીએનએ સેમ્પલ આપવાની વાત કરવામાં આવી. મહેશભાઈના ભાઈ કાર્તિકભાઈએ શંકા દૂર કરવા માટે ડીએનએ સેમ્પલ આપેલા હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશને કોઈ કનેક્શન ન હોવાનું લાગી રહ્યું હતું.
ફોરેન્સિક ટીમ દ્વારા ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા બનાવના સ્થળેથી કબજે લેવામાં આવેલ મૃતદેહ સાથે ડીએનએ નમૂના મેચ થતાં મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલાનું પ્લેન ક્રેશમાં દુખદ નિધન થવાની વિગતો બહાર આવી હતી. તેમ છતાં પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો નહીં.
આ દરમિયાન અમદાવાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું ત્યાં કેટલાક વાહનો પણ સગળી ગયા હતા. મેઘાણીનગરના પીએસઆઈ ચાવડા તથા સ્ટાફ દ્વારા એક એક્ટીવા દુર્ઘટનાસ્થળે બળી ગયેલી સ્થિતિમાં મળી આવ્યું હતું. જેના એન્જિન અને ચેસીસ નંબર આધારે તપાસ કરવામાં આવી તો તે મૃત્યુ પામનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સાબિત થયું હતું.
આ પણ વાંચોઃ પ્લેનના ફ્યુલ ટેંકમાં પાણીને કારણે થઈ અમદાવાદ દુર્ઘટના? સામે આવ્યું આ કારણ
ત્યારબાદ પોલીસ દ્વારા ભાંડી પડેલા પરિવારજનોને સાંત્વના આપવામાં આવી અને આખરે પરિવારજનો મહેશભાઈ કાલાવાડિયાનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પરિવારજનોને ફિલ્મમેકરનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે